
અંબાજી ગ્રામ પંચાયતના કામદારે બે હજારની નોટ ન સ્વીકારતા હોબાળો
તાજેતરમાં ચલણી ૨ હજારની નોટના સક્ર્યુલેશનને બંધ કરવા માટે સરકાર દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો જાહેર કરાયો છે. જેમાં લોકો બેંકમાં પોતાની ૨ હજારની નોટ બદલાવી કે જમા કરાવી શકશે. તો સાથે સાથે ૨ હજારની નોટ હાલમાં તમામ જગ્યાએ માન્ય છે, તેથી લોકો ૨ હજારની નોટોને બેંકમાં અને સરકારી વિભાગો સાથે સાથે પ્રાઇવેટ વિભાગોમાં પણ આપી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ગ્રામ પંચાયતમાં બકાયા સરકારી રકમને ભરવા માટે અંબાજીના ગ્રામજન પહોંચતા ૨ હજારની નોટ આપતા અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી ૨ હજારની ચલણી નોટને ન સ્વીકારતા હોબાળો સર્જાયો હતો. આજે અંબાજીના રહેવાસી દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત દૂધ વિતરણ કેન્દ્ર પર ૩૦ થેલી દૂધ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ ૨ હજારની નોટ ન સ્વીકારતા અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીને આ બાબતે ફોન પર જાણ કરતા અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ પણ ૨ હજારની ચલણી નોટને સ્વીકારવાનું સ્પષ્ટ ના પાડ્યું હતું.જેને લઈને અંબાજીના સ્થાનિક અને ગ્રામ પંચાયતના સેક્રેટરી વચ્ચે ૨ હજારની નોટ ન સ્વીકારતા વાદવિવાદ સર્જાયો હતો. હાલમાં સરકાર દ્વારા ૨ હજારની નોટને બંધ કરવાનો ર્નિણય નથી લીધો માત્રને માત્ર ૨ હજારની નોટનું સક્ર્યુલેશન બંધ કરવામાં માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે. જેમાં બેંકમાં અને સરકારી વિભાગોમાં બે હજારની નોટ માન્ય રહેશે તેવું સરકારે જાહેર કર્યું છે. તેમ છતાં અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ ૨ હજારની નોટ સ્વીકારી નહતી. જેનું રેકોર્ડિંગ વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો છે.