જિલ્લા કક્ષા ૩ અને તાલુકા કક્ષાના ૨૨ મળી કુલ- ૨૫ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું
દરેક વ્યક્તિને પોતાના મનગમતા શિક્ષક યાદ હોય છે: ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર
આજનો દિવસ જીવનની સાચી દિશા બતાવવાનું કામ કરતાં તમામ શિક્ષકોને વંદન કરવાનો છે: કલેકટર મિહિર પટેલ
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે 5મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ ૨૦૨૪ યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા ૩ અને તાલુકા કક્ષાના ૨૨ મળી કુલ- ૨૫ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે શિક્ષક, ગુરૂજનનું મહત્વ સમજાવતાં કહ્યું કે, દરેક માણસ ને પોતાના ગમતા શિક્ષક જરૂર યાદ હોય છે. જે કોઈ ક્ષેત્રમાં જેમની નામના છે એમની સફળતામાં એમના ગુરૂજનોનું મોટું યોગદાન છે. વ્યક્તિના જીવન ઘડતરનું પાયાનું કામ શિક્ષકો કરે છે.
આજનો દિવસ જીવનની સાચી દિશા બતાવવાનું કામ કરતાં તમામ શિક્ષકો અને ગુરૂજનોને વંદન કરવાનો છે. આપણું શૈક્ષણિક ઘડતર કરતા, આપણને સાચી રાહ બતાવતા એવા તમામ ગુરુજનો આદરણીય છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા ૩ અને તાલુકા કક્ષાના ૨૨ મળી કુલ- ૨૫ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રમાણપત્ર અને ચેક આપી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.