
ડીસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ ઝડપ્યું
ડીસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાઈબાબા મંદિર પાસે અચાનક રેડ કરી જુગારધામ પકડ્યું છે. જેમાં ટીમે જુગાર રમતા ૧૨ શખ્સો સહિત રોકડ, ૧૩ મોબાઈલ, ૨ બાઈક, કેલ્ક્યુલેટર, જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને જુગારના સાહિત્ય સહિત કુલ ૨.૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જે અંગે વધુ તપાસ ડીસા શહેર દક્ષિણ પોલીસ ચલાવી રહી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે ડીસામાં જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી અને ડીસાના કોલેજ રોડ પર સાંઇબાબા મંદિરના પાછળના દરવાજે આવેલ દુકાનોની પાછળના ખુલ્લા ભાગમાં રેડ કરતા જુગાર રમતા શખ્સોનું ટોળુ રંગેહાથ ઝડપાઈ ગયુ હતુ. ટીમે પૂછપરછ કરી તપાસ કરતા આ શખ્સો વરલી મટકાનો જુગાર રમતા હતા.ટીમે મુદ્દામાલ સાથે તેમને ઝડપી લઈ શહેર દક્ષિણ પોલીસને સોંપ્યા હતા.તેથી પોલીસે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.