અંબાજી નજીક 108ની ટીમે 1 કિમી ડુંગરાળ વિસ્તારમાં ચાલીને સફળ પ્રસુતિ કરાવી
ગુજરાત સરકાર દ્વારા 2007માં શરૂ થયેલી નિ:શુલ્ક સેવા એટલે 108 કોઈપણ કટોકટીની પળ હોય અને એક જ નંબર યાદ આવે તે 108. હાલમાં 108ની સેવાની વાત કરીએ તો આ સેવા ગુજરાત ભરમાં મોખરે છે અને પ્રસુતિની પીડા, રોડ અકસ્માત, છાતીમાં દુઃખાવો જેવી ગંભીર કટોકટીમાં અમૂલ્ય જીવ બચાવ્યા છે. તેવી જ એક ઉમદા કામગીરીની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી 108ની ટીમને અંદાજે સવારે 08:20 વાગ્યાની આસપાસ કુંભારીયા ગામનો પ્રસુતિ પીડાનો કોલ મળતા તાત્કાલિક અંબાજી 108ના EMT અલ્કાબેન અને PILOT મનોજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા દર્દીના પરિવારજનોને સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, દર્દી ડુંગરાળ વિસ્તારમાં છે અને દર્દીને અસહ્ય પીડા થાય છે. જેથી ત્યાં સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેવી વ્યવસ્થા નથી. આવી પરીસ્થિતીમાં તાત્કાલિક 108ના કર્મચારીઓએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમ્બ્યુલન્સમાં રહેલ સ્ટેચર અને ડિલિવરી કીટ લઈને ડુંગરાળ વિસ્તારમાં અંદાજે 1 કિલોમીટર સુધી ચાલીને દર્દી સુધી પહોંચ્યા હતા.108ની ટીમ દ્વારા દર્દીને તપાસતા માલૂમ પડ્યું કે દર્દીને પ્રસુતિની પીડાનો દુખાવો અસહ્ય છે અને સ્થળ પર જ ડિલિવરી કરાવવી પડશે. જ્યાં 108ના EMT દ્વારા 108ની હેડ ઓફિસમાં સ્થગિત ડૉક્ટરના માર્ગદર્શન અને 108માં રહેલ ડિલિવરી કીટ તથા જરૂરી વસ્તુઓની મદદથી સફળ પ્રસુતિ કરાવી અને દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ દર્દીને 108માં રહેલા સ્ટચેર (સ્પાઈન બોર્ડ) પર લઈને એક કિલોમીટર સુધી ચાલીને એમ્બ્યુલન્સમાં લીધા બાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દર્દીના પરિવારજનો દ્વારા 108 ટીમની સુંદર કામગીરીને બિરદાવી હતી