થરાદમાંથી શંકાસ્પદ બાયોડીઝલ ભરેલું ટેન્કર ઝડપાયું
સોમવારની રાત્રે થરાદની નર્મદા નહેર પરથી શંકાસ્પદ બાયોડીઝલ ભરીને એક ટેંકર જઇ રહ્યું હોવાની બાતમી તંત્રને મળી હતી.આથી પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા તેને અટકાવવામાં આવ્યું હતું. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ય માહિતી મુજબ થરાદ નર્મદા નહેર પરથી શંકાસ્પદ બાયોડીઝલ પંપ સાથેનું એક ટેંકર પોલીસ અને મામલતદારે ઝડપી પાડ્યું હતું. જે કોઇ પેટ્રોલપંપમાં ભેળસેળ કરવાની આશંકાએ જતું હોવાની શંકા પણ ઉઠવા પામી હતી. આ અંગે થરાદ મામલતદારને ખાનગી બાતમી દ્વારા કોઇ દ્વારા જાણ કરવામાં આવી હતી.
આથી મામલતદાર અને થરાદના પોલીસે જીલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરતાં તેમના તરફથી મળેલી સુચના મુજબ તેમાંથી નિયમ પ્રમાણે સેંપલ લઇને ટેન્કરને સીલ અને જથ્થો સિઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, સ્થળ પર જ ટેંકરનો જથ્થો સિઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ટેંકરને જાળવણી અર્થે થરાદ પોલીસ મથકમાં લાવવામાં આવ્યું હતું. આ જથ્થો ક્યાંથી કયાં લઇ જવાતો હતો તે દિશામાં પણ વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.