
સૂઇગામ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
લોકોના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે શરૂ કરાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સમગ્ર જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦ વર્ષ સ્વાગત સેવાની સફળતા અંતર્ગત સરહદી વિસ્તાર સૂઇગામ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે આ વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. આજે જિલ્લાભરમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ- ૩૫૬ અરજીઓ પૈકી ૯૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો હતો. જ્યારે ૨૬૧ અરજીઓ નીતિ વિષય બાબતો તથા તાલુકા કક્ષાના અધિકારીઓને સત્તા ન પહોંચતી હોય તેવા પ્રશ્નો જિલ્લા કે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવા જણાવાયું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટરે પાણીના પ્રશ્નો અંગેનું રજીસ્ટર નિભાવવા તથા તે પ્રશ્નોનો ખુબ ઝડપથી નિકાલ કરી લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલ ઉનાળાની સીઝનમાં આ વિસ્તારના લોકોને તથા પશુઓને પીવાના પાણીની તકલીફ ન પડે તેનું પુરતું ધ્યાન રાખી અંતરિયાળ ગામડાઓ સુધી પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્વિત કરીએ. સૂઇગામ વિસ્તારના લોકોએ અંતરીયાળ ગામડાઓમાં પીવા અને સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા, એસ.ટી. બસની સુવિધા, સૂઇગામ તાલુકા મથકે બસ સ્ટેશન બનાવવા, થરાદ- પાડણની નાઇટ બસ મુકવા, નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓ પુરાવવા, જમીન રિ-સર્વે, જ્યોતિ ગ્રામ યોજનામાં પરા વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, નર્મદા યોજનામાંથી પાણી આપવા જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. સૂઇગામ સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.એ.ડોડીયા, મામલતદાર વિજયદાન ગઢવી, તાલુકા વિકાસ અધિકારી કે. એ. ભાટીયા, તમામ તાલુકાઓમાં સંબંધિત કચેરીઓના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.