જુનાડીસા નજીક ટ્રકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલકનું મોત
આસેડા નો યુવક રિક્ષા લઈને ડીસા થી ઘરે જતો હતો: ડીસા પાટણ હાઈવે પર જુનાડીસા નજીક પૂર ઝડપે આવતી ટ્રકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ડીસા તાલુકા પોલીસે અકસ્માત અંગેનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલ ધીરુભાઈ પટણી ગત મોડી રાત્રે પોતાની રીક્ષા લઈને ડીસા થી આસેડા ઘર તરફ આવતા હતા. ત્યારે ડીસા પાટણ હાઈવે પર જુનાડીસા નજીક કુમકુમ કોલ્ડ સ્ટોરેજ પાસે સામેથી આવતી ટ્રકે રીક્ષા ને ટક્કરમાં મારતા રીક્ષા નો ભૂકકો થઈ ગયો હતો. જ્યારે રીક્ષા ચાલક વિપુલ પટણીને ગંભીર ઈજા થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પટણી પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.