
ડીસામાં ગેરકાયદેસર વાહનો ધોતા સર્વિસ સ્ટેશનોનો રાફડો
ડીસા નગર પાલિકા વિસ્તારમાં ૧૦૦ થી વધુ સર્વિસ સ્ટેશન ગેરકાયદે ધમધમી રહ્યા છે. જે સર્વિસ સ્ટેશનોમાં દિવસ દરમિયાન અનેક વાહનો ધોવામાં આવે છે.જેમાં પાણીની ખેંચ વચ્ચે લાખો લિટર પાણીનો વેડફાટ થાય છે. તેમ છતાં આ બાબતે પાલિકાના સત્તાધીશો સાવ અજાણ છે. બનાસના મીઠા પાણી માટે ખ્યાતનામ બનેલાં ડીસામાં પણ હવે પાણીના તળ સતત નીચા જઇ રહ્યા છે. વધતા જતા શહેરી વિસ્તારની સાથે જન સંખ્યા વધતા પાણીની માંગ પણ વધી છે. જેના પગલે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બોર સાથે સમ્પ બનાવી નગરજનો માટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે જીવન જરૂરી એવા આ પાણીનો વેડફાટ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે તેમાંય સૌથી વધુ પાણીનો બગાડ વાહનો ધોવાના સર્વિસ સેન્ટરોમાં થઈ રહ્યો છે.ડીસામાં હાલમાં જાણવા મળેલ માહિતી મુજબ ૧૦૦ થી વધુ સર્વિસ સ્ટેશનો ધમધમી રહ્યા છે. તે કાયદેસર છે કે કેમ ? તે પણ સવાલ છે.આ બાબતે પાલિકા પાણી પુરવઠા વિભાગમાં પૂછતાં જણાવ્યું હતું કે હાલમાં ડીસામાં ઓન રેકોર્ડ ૨૦ થી ૨૫ જેટલા સર્વિસ સ્ટેશનના કોમર્શિયલ કનેક્શન પાલિકામાં નોંધાયેલ છે પરંતુ બિન અધિકૃત રીતે ચાલતા અન્ય સર્વિસ સ્ટેશન બાબતે પાલિકા તંત્ર અજાણ છે. તેથી મોકળું મેદાન મળતા આજે ૧૦૦ થી વધુ સર્વિસ સ્ટેશન ધમધમી રહ્યા છે અને બેફામ પાણીનો વેડફાટ કરી રહ્યા છે તેમ છતાં પણ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી પાણીના ભારે વેડફાટને લઈ ડીસાવાસીઓમાં આક્રોશની લાગણી છવાઈ છે.પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૩ માં સર્વિસ સ્ટેશન બાબતે સર્વે થયો હતો.જેને ૧૦ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ ફરી નવો સર્વે હજુ સુધી થયો નથી પરિણામે અનેક ગેર કાયદેસર સર્વિસ સ્ટેશનનો રાફડો ફાટ્યો છે તેમજ બે વર્ષ અગાઉ પાલિકા દ્વારા કોમર્શિયલ એકમો ઉપર પાણીના મીટર નાખવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ પાલિકા દ્વારા પાણી બિલ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા મીટરો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ બાબતે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને પૂછતાં તેમણે જણાવ્યું હતું હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. શહેરીજનોને પીવાનું પાણી તેમની પ્રથમ જરૂરિયાત છે ત્યારે પાણીનો બગાડ થાય તે ચલાવી લેવામાં નહિ આવે પરંતુ અમારા ધ્યાને આવ્યું છે કે અનેક લોકો બીનઅધિકૃત રીતે વાહનો ધોવાના સર્વિસ સ્ટેશન ચલાવી પાણી વેડફી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા સર્વે કરી આવા બીનઅધિકૃત સર્વિસ સ્ટેશન સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.