શિક્ષકોની ધિરાણ મંડળીમાં એક હથ્થુ શાસન
દાંતીવાડા તાલુકાની ઘી દાંતીવાડા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક શરાફી સહકારી મંડળી લિમિટેડમાં એક તરફી શાસનનો અંત લાવવા શિક્ષકોએ જંગ છેડ્યો છે. જેથી અધધ વાર્ષિક ટનઓવર ધરાવતી મંડળી ખાતે સત્તાનું ભૂત ધુણ્યું છે. અગાઉ પણ વહીવટને લઈ વિવાદ બહાર આવેલા છે ત્યારે ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. શુક્રવારના દિવસે પ્રાથમીક શિક્ષકોની ધિરાણ આપનારી સેવા સહકારી મંડળીમાં એક હથ્થું શાસન થતું હોવાનો વિવાદ બહાર આવ્યો હતો. મંડળી ખાતેના ૬૩૪ શિક્ષક સભાસદો પૈકીના ૪૦૦ જેટલા શિક્ષકો લોકશાહી ઢબે મંડળીની સત્તા માટે ચૂંટણી કરાવવાની માંગ કરી વિરોધ નોંધાવતાં જોવા મળ્યાં હતાં. શિક્ષકો દ્વારા તેમના વોટ્સપ ગ્રૂપમાં પોતાની માંગણીઓના કેટલાક મુદ્દા સાથે મેસેજ કરાયો અને શિક્ષકો મંડળી ખાતે સાધારણ સભા યોજવા ભેગા મળવાના હતા પરંતુ આ લોકો મંડળી ખાતે પહોંચે તે પહેલાં તો વર્તમાન સંચાલકોએ પોલીસનો સહારો લઈ પ્રોટેક્શન ગોઠવી દીધું હતું. જે બાદ એક તરફી સત્તાથી અસંતુષ્ટ બનેલા શિક્ષકોએ કાયદાનું પાલન કરતા અન્ય એક ખાનગી જગ્યામાં બેઠક યોજી આવનારા સમયમાં એક તરફી સાસનનો અંત લાવવા મક્કમ બનેલા જોવા મળ્યા હતા.
અમે શિક્ષકો છીએ, ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડત આપીશું
આપણા દેશમાં હર કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની માંગણી સાથે આંદોલન કરી શકે છે તો અમને વિદ્યાના ગુરૂ શિક્ષકોને કેમ પોલીસના સહારે રોકવામાં આવી રહ્યાં છે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારતા આવનારા સમયમાં તેમને ન્યાય નહીં મળે તો જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સુધી પણ આંદોલન કરવા તૈયારી હોવાનું જણાવ્યું હતું.
સત્તાના સંગ્રામ વચ્ચે બાળકોનું ભણતર ન બગડે
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, જો વિદ્યાના ગુરુઓ આમ જ ન્યાયની માંગણી કરાતા અને સત્તાના આંદોલન પર ઉલઝેલા રહેશે તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતરનું શું એ પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. શિક્ષકોની સત્તા પાછળની લડાઈમાં રાજકીય કેટલાક રાજકીય ચહેરા પણ કાર્યરત હોવાના અણસાર જોવા મળી રહ્યા છે.
દસ વર્ષમાં કરોડોનું કૌભાંડ
અનેક શિક્ષકો અક્ષેપ કરી રહ્યા છે કે, મંડળીના છેલ્લા કેટલાય વર્ષોના વહીવટમાં અનેક કૌભાંડ કરાયું હોવાનો પણ અક્ષેપ કરી રહ્યા છે. આ બાબતે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવે તો મંડળીના એક તરફી સાસનમા કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જેથી તટસ્થ તપાસ પણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
મંડળીની વર્તમાન સ્થિતિ
આ મંડળી ૬૩૪ સભાસદો ધરાવે છે તેમજ વર્તમાન સમયમાં મંડળી ખાતે ૨ કરોડ ૯૬ લાખ ૭૩ હજાર સેર ભંડોળ છે અને મંડળીનું વાર્ષિક ટનઓવર રૂપિયા ૭૮ કરોડ ૬૧ લાખ છે હાલમાં આ મંડળીએ ૪૦૦થી વધુ સભાસદો ને રૂપિયા ૨૧ કરોડનું ધિરાણ કરેલ છે. આ મંડળીના અગાઉના ચેરમેન જીગ્નેશ ત્રિવેદી વિધાર્થી પાસેથી ફી સિવાય વધારાના નાણાંની રિશ્વત લેતા એસીબીના હાથે મે-ર૦ર૩ ના ઝડપાયા હતા. જે બાદ સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે તા. ૨૦/૪/૨૦૨૩ ના મળેલી સાધારણ સભામાં તા. ૨૫/૪/૨૦૨૩ થી ચેરમેનનો ચાર્જ ભરત વ્યાસને સોપવામાં આવેલો છે.