ડીસા તાલુકાના ગુગળ ગામે સો મિલમાં કામ કરતા આધેડની કરપીણ હત્યા
ડીસા તાલુકાના ગુગળ ગામે લાકડાની સોમીલ પર મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ અંગે આગથળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે જ્યારે આધેડની હત્યા થતા પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સરકા તાલુકાના કલકાર ગામે રહેતા ૪૮ વર્ષીય રામાભાઇ શંકરલાલ મીણા ડીસા તાલુકાના ગુગળ ગામે આવેલી બજરંગ સો મિલમાં લાકડાની લાટીમાં મજૂરી કામ કરતા હતા અને આજે તેઓને અન્ય મજૂર સાથે સામાન્ય બાબતમાં તકરાર થતા એક મજૂરે લોખંડના હથિયારથી ૧૦ જેટલા ઘા મારતા તેઓનું મોત નિપજ્યું હતુ.એક જ સોમીલમાં સાથે મજૂરી કરતા શખ્સોએ રામાભાઈની હત્યા કેમ કરી છે તે હજુ ચોક્કસ જાણી શકાયું નથી.પરંતુ ઘટનાને પગલે આગથળા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશનું પંચનામુ કરી પીએમ અર્થે ડીસા સિવિલમાં લાવવામાં આવી હતી. જ્યારે મૃતકના પરિવારજનો સગા સંબંધીઓ પણ રાજસ્થાનથી ડીસા સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસે અત્યારે હત્યારાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.