
ડીસામાંથી ખોટા લગ્ન કરાવી લાખો પડાવતો આધેડ ઝડપાયો
ડીસા શહેર દક્ષિણ પોલીસે રાજસ્થાનમાં ગરીબ પરિવારોને ફસાવી ખોટા આધારકાર્ડ બનાવી છોકરીઓના પિતા બની લગ્ન કરાવી લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવતા આધેડને ઝડપી પાડ્યો છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી રાજસ્થાનની જાલોર કરડા પોલીસને સોંપ્યો છે. રાજસ્થાનના જાલોર કરડા પોલીસ મથકે દોઢ મહિના અગાઉ હરિરામ પુરોહિતે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના કાકાના દીકરા પિતરાઈ ભાઈ મંછારામ પુરોહિત, હડુરામ પુરોહિત અને મીઠાલાલ પુરોહિત તેમના દીકરા વગતારામ માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સંબંધીઓ હોવાના કારણે હરિરામે તેમના પર વિશ્વાસ કરી પુત્ર વગતારામની સગાઈ મહેસાણા નિવાસી મનોહર પુરોહિતની દીકરી સાથે કરી હતી. તે સમયે સગાઈ પહેલા હરિરામે આ ટોળકીને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.ત્યારબાદ લગ્ન માટે જાન લઈને પહોંચ્યા તે સમયે પણ આ ટોળકીએ ૧૧ લાખ રૂપિયા રોકડા લીધા હતા. આમ કુલ ૨૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. લગ્ન બાદ યુવતીએ તે બ્રાહ્મણ નથી અને ગરીબ પરિવારમાંથી આવે છે અને આ ટોળકીએ તેના પરિવારને ફસાવી જબરજસ્તીથી તેના લગ્ન કરાવ્યા હોવાનું જણાવતા ભાંડો ફૂટ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસ આજે પેટ્રોલિંગમાં હતી. તે સમયે છેતરપીંડી આચરનાર ટોળકીનો એક વ્યક્તિ ડીસાની ગૌરી સદન સોસાયટીમાં રહેતો હોવાની માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપી મીઠાલાલ ચુનીલાલ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે સીઆરપીસી કલમ ૪૧-૧ મુજબ આરોપીની અટકાયત કરી રાજસ્થાનની જાલોર કરડા પોલીસને જાણ કરી આરોપીને સોંપી દીધો હતો. ફરિયાદીનું માનવું છે કે, આ આરોપીઓએ ઘણા પરિવારોને આ રીતે ફસાવી ગરીબ છોકરીઓના બળજબરીથી લગ્ન કરાવી દીધા છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.