
અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શકિતપીઠમાં અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે.અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે ત્રીજા નોરતે પણ અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ દરમિયાન સવારે 2 મંગળા આરતી કરવામા આવી હતી. મંગળા આરતી ગર્ભગૃહની અંદર થયા બાદ બીજી મંગળા આરતી જવેરાની કરવામા આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના હસ્તે મંગળા આરતી કરવામા આવી હતી. આજે પણ વહેલી સવારે મંદિરમાં ભક્તો ચાચર ચોકમાં ગરબે રમતા જોવા મળ્યા હતા.
અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ દરમિયાન રોજ સવારે બીજ થી આઠમ સુઘી 2 મંગળા આરતી થાય છે. સનાતન પરંપરામાં શક્તિની ઉપાસના માટે દેવી દુર્ગાના 9 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંથી માં ભગવતીનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટાનું છે. હિંદુ માન્યતા અનુસાર નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને શાંત છે. માતાની ઉપાસનાથી તેમના ભક્તોમાં હિંમત અને નમ્રતાનો વિકાસ થાય છે. જે ભક્તો શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે વિધિ-વિધાનથી તેમની પૂજા કરે છે, દેવી તેમના મનમાં ચાલી રહેલી નકારાત્મક ઊર્જાને નાશ કરી સકારાત્મક ઊર્જામાં ફેરવે છે. અંબાજી આવતા માઈ ભક્તો માતાજીનાં દર્શન કર્યા બાદ ગબ્બર અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી બાવા પણ સવારે મંગળા આરતીમાં હાજર રહ્યા હતા અને દર્શન વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું.