
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ભવ્ય કલા મંચ યોજાયો
પાલનપુર ખાતે આવેલ કાનુભાઈ મહેતા હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયત કર્મચારી મહાસંઘ દ્વારા ભવ્ય કલા મંચ-2023 ની મેગા ફાઇનલ યોજાઇ હતી. જેમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા શિક્ષકો સહિત જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાના આગવા અભિનય દ્વારા કલાના કામણ પાથર્યા હતા. કુલ પાંચ વિભાગમાં ગાયન, વાદન, નાટક, લોક કલાઓ અને વિશેષ કૌશલ્યમાં જિલ્લાની જુદી જુદી શાળાઓના શિક્ષકોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ગીટાર વાદન સ્પર્ધામાં ભાગ લઇ કર્મચારીઓમાં પડેલી કલાને બહાર લાવવા પ્રાોત્સાહન પુરું પાડ્યું હતું.પાલનપુર અને ડીસા તાલુકાની પ્રાથમિક શાળાઓની શિક્ષિકા બહેનોએ ગુજરાતની આગવી ઓળખ એવો ગરબો રજૂ કર્યો હતો. આ તો મારી માડી ના રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આ ગરબાના ગીત પર બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. જયારે ગાયન વિભાગમાં થરાદ તાલુકાના મહાદેવપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલબેન પરમારે પોતાના સુરીલા અવાજમાં હો રંગલો જામ્યો ભજન રજૂ કર્યુ હતું. તો વાદન વિભાગમાં દિયોદર તાલુકાના ખડોરવાસ પ્રાથમિક શાળાના શિક્ષક રાકેશ સ્વામીએ ઢોલકના તાલ સાથે અલગ અલગ પ્રાંતના ઢોલ વગાડી પોતાની કલા રજૂ કરી હતી.
નાટક વિભાગમાં ડીસા તાલુકાના રામપુરા ખાતે ફરજ બજાવતા શિક્ષિકા નાદીયા અબ્બાસમિયા સૈયદે બાળ વાર્તાકાર ગિજુભાઈ બધેકાના જીવન વિશે સુંદર એકપાત્રિય અભિનય કરીને વાર્તાના માધ્યમથી બાળકોના અભ્યાસને કેવી રીતે સરળ અને રસપ્રદ બનાવી શકાય તેની ચોટદાર રજૂઆત કરી હતી. જ્યારે લોક કલાઓના વિભાગમાં પાલનપુર તાલુકાના વાસણ પ્રાથમિક શાળાની શિક્ષિકા કવિતા ચૌહાણે રાજસ્થાનના પ્રખ્યાત કાલબેલીયા નૃત્ય દ્વારા ઉપસ્થિત સૌને રાજસ્થાની ગીત- સંગીતથી ડોલાવ્યા હતા. વિશેષ કૌશલ્ય વિભાગમાં શિવાજીના જીવનને ઉજાગર કરતા પાત્રને રાજેશ જોષીએ ભજવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તથા તમામ વિભાગમાં પ્રથમ સ્થાને આવેલ સ્પર્ધકોને જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે ટ્રોફી અને પ્રમણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારી કે. કે. ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજગરા, આંકડા અધિકારી શૈલેષભાઇ પટેલ, પી. ડી. સેનમા, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી વિનુભાઈ પટેલ સહિત અધિકારીઓ- કર્મચારી મહાસંઘના હોદ્દેદારો મહેશભાઈ ડેલ અને હિંમત પંછીવાલા તથા સારી સંખ્યામાં પાલનપુર નગરના કલા રસિકો ઉપસ્થિત રહ્યાં હતા.