મકતુપુર પાસેથી વરીયાળીમાંથી નકલી જીરૂ બનાવતું ગોડાઉન ઝડપાયુ
ઊંઝા શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં ભેળસેળની પ્રવૃત્તિ દિનપ્રતિદિન ફુલીફાલી રહી છે. જીરામાં આગ ઝરતી તેજીથી ભેળસેળ કરતા તત્વોને તગડી કમાણી કરવાની ફાવટ આવી ગઈ છે. ત્યારે ઉઝા તાલુકાના મકતુપુર પાસેથી વરીયાળીમાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર પાટણના સંયુક્ત ઉપક્રમે ઊંઝા તાલુકાના મકતુપુર પાસેથી વરિયાળીમાં થી નકલી જીરું બનાવતું ગોડાઉન ઝડપી પાડ્યું છે. મકતુપુર સુણક રોડ પર આવેલ પટેલ મહેન્દ્ર મફતલાલ નામના ગોડાઉનમાં કરાઈ રેડ કરી ૫૪ બોરી ૨૭૦૦ કિલો નકલી જીરું ઝડપી લઈ ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું. વરિયાળીના ભુસાને પ્રોસેસ કરી, વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવી નકલી જીરું બનાવાતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગરના કે.આર.પટેલે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. (૧) જીરૂ લુઝ ૨૭૦૦ કિલોગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ૧,૬૨,૦૦૦ (૨) ગોળની રસી ૧૦૦ કિલોગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ૧૦૦૦ (૩) બ્રાઉન પાઉડર લુઝ ૩૫૦ કિલોગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ૧૭૫૦ (૪) જીરૂ વરિયાળી લુઝ ૬૩૦ કિલોગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ૫૦,૪૦૦ સહિત કુલ ૩૬૮૦ કિલોગ્રામ મળી રૂપિયા ૨,૧૪,૧૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું.