રોટોવેટર મશીનમાં આવી જતાં થરાદના કિયાલના ખેડુતનું મોત
થરાદના કિયાલ ગામના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટોવેટર મશીન સાથે ખેતરમાં કામગીરી કરી રહેલા યુવા ખેડુતનું નીચે આવી જવાથી ચગદાઇ જવાના કારણે કરુણ અને કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. યુવકના શરીરના ટુકડા બહાર કાઢીને મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું હતું. થરાદના કિયાલ ગામનો યુવા ખેડુત ઠાકોર જગાભાઇ છોગાભાઇ શુક્રવારે બપોરના સુમારે થરા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં જમીન પોચી કરવા માટેના રોટોવેટરને ટ્રેક્ટર સાથે જોડીને કામગીરી કરી રહ્યો હતો. તેનું અચાનક ટ્રેક્ટર નીચે આવી જવાના કારણે રોટોવેટરમાં ફસાઇ જવાના કારણે કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે જાણ થતાં ગામના સરપંચ હાજાભાઇ ઠાકોર સહિત ગ્રામજનો તાબડતોબ દોડી આવ્યા હતા.જો કે તે પુર્વે યુવકના શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજા થવાના કારણે ટુકડા થવા પામ્યા હતા. જેને ગાંસડીમાં બાંધીને થરાદની સરકારી હોસ્પીટલમાં પીએમ કરાવવામાં આવ્યું હતું. આક્સ્મિક બનેલી ઘટનાથી યુવકનું મોત થતાં તેનાં ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ ઘટનાથી ગામ અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.થરાદ પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ
ધરી હતી.