
ડીસા નગરપાલિકાના કર્મચારી વયનિવૃત થતાં સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો
ડીસા નગરપાલિકાના વ્યવસાય વેરા વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા મહેશભાઇ મહેતાની વયનિવૃતિ થતાં પાલીકા દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નક્કી કરાયેલ વયમર્યાદા પૂર્ણ થતાં નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વિભાગમા ફરજ બજાવતા કર્મચારી મહેશભાઈ મહેતાનો પાલિકાના સભાખંડમાં ભવ્ય સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સૌએ નિવૃત્તિ જીવન નિરોગી રહે, સુખમય રહે અને નિવૃતિ જીવનની પળો તેમના પરિવાર સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
જેમાં પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ઉપ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, પૂર્વ પ્રમુખ રાજુભાઇ ઠક્કર, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે ડીસા નગરપાલિકાના સ્ટાફ ગણ અને બુદ્ધિજીવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વ્યવસાય વેરા અધિકારી મહેશભાઈ મહેતાને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડીને મોમેન્ટો આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મહેશભાઈ મહેતાની સરકારી કામગીરીને બિરદાવી હતી. વયનિવૃત મહેશભાઈ મહેતાએ સર્વેનો આભાર માન્યો હતો અને સ્વરૂચી ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેનો સૌએ લાભ લીધો હતો.