પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો
મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ થીમ આધારે જિલ્લાના મીડિયા મારફત નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા કરાયો અનુરોધ
આગામી ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૨જી ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે.
સ્વચ્છતાની આજ તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ની થીમ “સ્વચ્છતા સંવાદ” હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના અધ્યક્ષસ્થાને ‘મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને લોકભાગીદારી થકી આપણી આજુબાજુ રહેલી ગંદકીને દુર કરીને સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા સરકારના નીતિ નિયમો મુજબ સફાઈ ઝુંબેશ ચાલી જ રહી છે તો નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કામદારોની કાળજી લેવામાં આવે તેમને સરકારના તમામ લાભ આપવામાં આવે તથા તેમનું નિયમિત હેલ્થ ચેક અપ પણ કરવામાં આવશે. પાલનપુર સહિતના શહેરોમાં દરેક દુકાનમાં કચરો નિયમિત ડસ્ટબીનમાં જ નાખવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા માટે લોકોની માનસિકતામાં બદલાવ આવે તે માટે મીડિયાકર્મી મિત્રો દ્વારા જાગૃતિ ફેલાવા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.