
ભાભરના તાત્કાલિન પી.એસ.આઈ સામે ફરજમાં નિષ્કાળજીનો ગુનો દાખલ
બનાસકાંઠા જિલ્લાના ભાભરના તત્કાલિન પી.એસ.આઇ સામે કોર્ટના હૂકમ બાદ ફરજમાં નિષ્કાળજીનો ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦માં થયેલી મારામારીમાં ફરિયાદીએ લેખિતમાં ફરિયાદ આપવા છતાં તેમણે ગુનો દાખલ ન કરતાં ફરિયાદીએ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં કોર્ટે ગુનો નોંધવા હૂકમ કર્યો હતો. ભાભરના શાંતિનગર વિસ્તારમાં ૯ સપ્ટે મ્બર ૨૦૨૦માં રતનશીભાઇ રાયમલભાઇ ચૌધરી (ઉ.વ. ૬૭)ના પરિવારજનો ઉપર ૧૦ વ્યકિતઓ ઉપર હુમલો કરી ઇજા કરી હતી.
આ અંગે રતનશીભાઇ ચૌધરી ભાભર પોલીસમથકે લેખિત ફરિયાદ કરવા ગયા હતા. જાેકે, તત્કાલિન પી.એસ.આઇ પી.એલ.આહિરે ફરિયાદ ન લઇ ગુનો દાખલ કર્યો ન હતો. આથી રતનશીભાઇએ ભાભર જ્યુડીશીયલ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ન્યાયાધીશે પી.એસ.આઇ સામે ગુનો દાખલ કરવાનો હૂકમ કર્યો હતો. જેના આધારે પી.એસ.આઇ એન.વી.રહેવરે ૧૮ ઓકટોબરે તત્કાલિન પી.એસ.આઇ પી.એલ.આહિર સામે સી.આર.પી.સી કલમ ૧૫૪ હેઠળ ફરજમાં બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.