
ડીસામાં ત્રણ હનુમાન મંદિર પાસે કાર પાણી ભરાયેલા નાળામાં ખાબકી, ગાડી માલિકને મોટું નુકસાન
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ડીસા પંથકમાં પણ સતત એક કલાક સુધી વરસાદ વરસતા એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઠેર-ઠેર નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ત્રણ હનુમાન મંદિર પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાતા આગળ નાળું ન દેખાતા કાર પાણીમાં ખાબકી હતી. ઘટનાને પગલે આજૂબાજૂના લોકો દોડી આવ્યા હતા અને કારચાલકને બહાર નીકાળ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જોકે કાર માલિકને મોટુ નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ત્રણ હનુમાન મંદિર પાસે છેલ્લા 12 મહિનાથી નાળાનું સમારકામ અટકેલું પડ્યું છે. જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ગઈકાલે પણ પાણી ભરાઈ જતા આ દુર્ઘટના સજાઈ હતી. ત્યારે તંત્ર દ્વારા આ નાળાનું રીપેરીંગ કામકાજ જલ્દી પૂર્ણ કરવામાં આવી તેવી લોકોની માગ છે.