અંબાજી કોટેશ્વર પહાડી વિસ્તારથી શરૂ થયેલા અભિયાનમાં 1 કરોડ સીડબોલથી અરવલ્લી ગિરિમાળાને લીલુછમ બનાવવાનો પ્રયાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા 3 વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ “once more, seed ball”ના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સિડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ડ્રોનની મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ પહોંચાડી ટેક્નોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો હરિતયજ્ઞ થયો. અરવલ્લીની ગિરિમાળાને લીલીછમ બનાવવા બનાસનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે થયો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકર ચૌધરીએ કોટેશ્વર મહાદેવ ખાતે શિવપૂજા અને શિવ આરતી કરી હતી.

અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે કોટેશ્વર નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો આજરોજ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા “હરિતયજ્ઞ”માં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી. સીડ બોલ પદ્ધતિથી વૃક્ષારોપણ- “હરિતયજ્ઞ” અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહવાન કર્યું છે.

અરવલ્લીની ગિરિમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે. જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે. ટેક્નોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે. છેલ્લા 9 વર્ષથી બનાસવાસીઓએ બનાસડેરીના માધ્યમથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો છે. દર વર્ષે કરોડો સીડ બોલનું વાવેતર કરવામાં આવે છે.

જેસોરથી શરૂ કરેલા સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ છે. ગામની શાળા, સ્મશાન, મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ગોળો બનાવી તેમાં સીડ બીજ મુકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવે છે. જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે છે, આમ નેચરલ નર્સરિંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય એવું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષકપરેશ ચૌધરી, બનાસ ડેરી નિયામક મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.