પાલનપુરમાં રૂ.5 લાખનો ચેક બાઉન્સ થતા વેપારીને બે વર્ષની સજા

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉછીના લીધેલા નાણાં પેટે આપેલ ચેક પરત ફર્યો: વેપારી સામે સજાનું વોરંટ કાઢતી કોર્ટ પાલનપુરના જ્ઞાતિ બંધુ પાસેથી રૂ.10 લાખ ઉછીના લઈ વેપારીએ રૂ.5-5 લાખના બે ચેક આપ્યા હતા. જોકે, રૂ.5 લાખનો એક ચેક બાઉન્સ થતા મામલો કોર્ટમાં ગયો હતો. જ્યાં કોર્ટે ચેક બાઉન્સ થતા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ-1881ની કલમ-138 મુજબ વેપારીને કસૂરવાર ઠેરવી વેપારીને 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ થરાદના થાનાશેરીના વતની અને હાલમાં ડીસા હાઇવે પર બાલાજી પાર્ક પર રહેતા 58 વર્ષીય જયંતિ લાલ મગનભાઈ પ્રજાપતિ અને પાલનપુરના હનુમાન શેરી, લુહાર વાસ ખાતે રહેતા  અરવિંદભાઈ જયંતિભાઈ પ્રજાપતિ એક જ સમાજના હોઈ એકબીજાને ઓળખતા હતા. જોકે, ઓગસ્ટ- 2020 માં ધંધાર્થે તાત્કાલિક રૂપિયાની જરૂર પડતા આરોપી અરવિંદભાઈ પ્રજાપતિએ ફરિયાદી જયંતિલાલ પ્રજાપતિ પાસેથી હાથ ઉછીના પેટે રૂ.10 લાખ લીધા હતા. જેના બદલામાં રૂ.5-5 લાખના બે ચેક આપ્યા હતા. જોકે, નિયત સમય મર્યાદામાં ઉછીના લીધેલા નાણાં પરત ન મળતા ફરિયાદીએ રૂ.5 લાખનો ચેક બેંકમાં નાખ્યો હતો. જે ચેક આરોપીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

જે કેસ પાલનપુરના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ચાલી જતા ના.કોર્ટે આરોપી અરવિંદભાઈ પ્રજાપતિને નેગોશીએબલ ઇન્સ્ટુનેન્ટ એક્ટ 1881 ની કલમ-138 મુજબ કસૂરવાર ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. વળી, આરોપીએ રૂ.5 લાખ વળતર પેટે હુકમની તારીખ થી એક માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જોકે, આરોપી કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હોઈ ના.કોર્ટે આરોપી સામે સજાનું વોરંટ કાઢવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.