
યાત્રાધામ અંબાજીની પવિત્રતા જાળવી રાખવા સ્વચ્છતાનું સુંદર આયોજન
યાત્રાધામ અંબાજી ખાતે ઉચ્ચકક્ષાની સ્વચ્છતા કામગીરી કરાઇ છે. યાત્રાધામ ખાતે 198256 ચોરસ મીટર વિસ્તારમાં સ્વચ્છતા અને સફાઇની કામગીરી કરવામાં આવી છે. માત્ર મંદિર નહિ પરંતુ મંદિરની આજુબાજુ વિસ્તાર, ગબ્બર, 51 શક્તિપીઠ સહિતની જગ્યા કે જ્યાં યાત્રાળુઓ, શ્રધ્ધાળુઓનો વધારે ધસારો જોવા મળે છે તેવા તમામ વિસ્તારોનો સમાવેશ કરી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાદરવી પૂનમ 2023ના મેળા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સંઘો અને યાત્રિકોના ધસારાને પગલે અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી સિવાય યાત્રાધામ બોર્ડ દ્વારા 900 વધારાના સફાઇ કામદાર પુરા પાડવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહેસાણા પાલનપુર વગેરે નગરપાલિકા પાસેથી સ્વચ્છતા માટે આધુનિક ટેકનૉલોજીની મશીનરીથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરાઇ છે. હડાદ અને દાંતાના માર્ગો પર શૌચાલય અને બાથરૂમની વ્યવસ્થા કરાઇ છે. આ સ્થળે યાત્રાળુઓ સુવિધા માટે ગરમ પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે