
રાહુલ ગાંધીના ‘સમર્થનમાં ધરણા’ કરનાર ૭૦ કોંગી નેતાની અટકાયત
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુરના જુનાગંજ બજાર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી ને સાંસદ પદે થી દુર કરવાના વિરોધમાં પ્રતીક ધરણાં યોજવા માં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા ધરણાં યોજી રહેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને મુક્ત કરાયા હતા.
સુરત કોર્ટે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને માનહાની કેસમાં સજા ફટકારતા તેમને સાંસદ પદેથી દુર કરવામાં આવતા કોંગ્રેસમાં નારાજગી છવાઈ છે.
જેથી રાહુલ ગાંધીના સમર્થનમાં સંકલ્પ સત્યાગ્રહ શરુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાલનપુરના જુનાગંજ બજારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા. જોકે પૂર્વ પોલીસની ટીમે ધરણાં યોજી રહેલા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત ૭૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરી તેમને પોલીસ વાન મારફતે પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને મુક્ત કરાયા હતા. જોકે, ધરણાં યોજતા આગેવાનો અને કાર્યકરોની અટકાયત પ્રક્રિયાને કોંગ્રેસના આગેવાનોએ તાનાશાહી ગણાવી હતી.