
ડીસામાં સ્વાગત કાર્યક્રમમાં ૪૦ પ્રશ્નો રજૂ થયા
ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં ડીસા શહેર અને ગ્રામ્ય કક્ષામાથી ૪૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અને આ પ્રશ્નોના નિવારણ માટે સ્થાનિક નાયબ કલેક્ટર દ્વારા જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ચાલીસ પ્રશ્નોમાં એક અલગ જ પ્રકારનો પ્રશ્ન આજે જાેવા મળ્યો હતો. અને આ પ્રશ્નને લઈ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાઈ ગયા હતા. આ પ્રશ્ન એક વૃધ્ધ દંપતીનો પ્રશ્ન હતો. તેમનો પ્રશ્ન હતો તેમના દીકરા અને પુત્ર વધુ દ્વારા આપવામાં આવતા ત્રાસ.ડીસાના જલારામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પઢિયાર અને તેમના પત્નીનો પ્રશ્ન આવતા સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પ્રકાશભાઈ પઢીયાર અને તેમના પત્નીને તેમના દીકરાએ ઘરમાંથી કાઢી મુકવા તેઓના ઘરના લાઈટ અને પાણીના કનેક્શન કપાવી નાખ્યા છે અને આવી પરિસ્થિતિમાં આ વૃદ્ધ દંપત્તિને કોઈ સહારો ન મળતા તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. જેનો પ્રશ્ન સંભળવાતા વૃદ્ધ દંપત્તિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને નાયબ કલેકટરે વૃદ્ધ મહિલાને ગળે લગાવી દંપત્તિને ખૂબ જ સાંત્વના આપી તેઓના પ્રશ્નોનો નિકાલ કરવા નગરપાલિકાને પાણી કનેક્શન તેમજ વીજ કંપનીને વીજ કનેક્શન તાત્કાલિક આપવા જણાવ્યું હતું. જ્યારે તેમના દીકરા પાસેથી ભરણપોષણ અપાવવા પણ સમાજ કલ્યાણ વિભાગને તાકીદ કરવામાં આવી હતી. છેલ્લા વીસ વર્ષથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અત્યારે સુધીમાં કેટલાય પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ થયા છે અને તેમના નિરાકરણ પણ આવ્યા છે.પરંતુ આજે પ્રથમવાર એક પિતાનો તેના પુત્રને લઈ પ્રશ્ન રજૂ થયો છે.. અને તેનું સુખદ નિવારણ લાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર દ્વારા પણ ખૂબ જ સારા પ્રયાસ કર્યા છે.