દાંતીવાડા ડેમમાં 40.23 ટકા પાણીનો જથ્થો : પાણી- સિંચાઈનો પ્રશ્ન નહીં સતાવે
ચોમાસામાં સીપુમાં 33 ટકા પાણી આવ્યું હવે 16.90 ટકા જ બચ્યું: ઉનાળાના આરંભે દાંતીવાડા તાલુકાના બે ડેમ પૈકી દાંતીવાડા ડેમ 40 ટકા ભરેલો છે જ્યારે સીપુ ડેમમાં માત્ર 16.90 ટકા પાણી જ છે. આમ બનાસકાંઠાના મુક્તેશ્વર, દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ સહીતના 3 ડેમનું પાણી 15 ટકા જેટલું ઓસરી ગયું છે. છ મહિનામાં ડેમનું પાણી જમીનમાં ઉતરવાની અને બાષ્પીભવન થવાની પ્રક્રિયામાં ઓછું થયું છે.
જ્યારે સીપુ ડેમ ચોમાસા દરમિયાન સીપુ ડેમ 33 ટકા ભરાયો હતો. સીપુ કેનાલ દ્વારા ડીસાના 25 ગામોને સિંચાઈ માટે જુદા જુદા ચાર વાર 21 એમસીએમ પાણી છોડવામાં આવ્યું છે. હાલ 16.90 ટકા એટલે કે 27 એમસીએમ પાણી ડેમમાં ઉપલબ્ધ છે. ભૂગર્ભમાં ઉતરવાની અને બાષ્પીભવનની પ્રક્રિયાથી પાંચ મહિનામાં અંદાજિત ચાર થી પાંચ એમસીએમ પાણી ઓછું થયું છે. હાલ ડેમનું પાણીનું લેવલ 178.12 મીટરનું છે. આવનાર સમયમાં પીવાના પાણી માટે પાણી રિઝર્વ રાખવામાં આવશે.
દાંતીવાડા ડેમમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 4.85 ટકા પાણીનો જથ્થો વધુ છે. જેથી પીવાનું પાણી આગામી બે વર્ષ સુધી ચાલી રહે એટલું ઉપલબ્ધ છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી પરના દાંતીવાડા ડેમમાં ગત વર્ષ કરતાં આ વર્ષે પાણીનો જથ્થો વધુ ઉપલબ્ધ છે.જેને લઇ પાણી માટેની ચિંતાના વાદળો ઓછા ઘટ્યા છે. દાંતીવાડા ડેમમાં ગત વર્ષ આજની સરખામણીમાં પાણીની સ્થિતિ જોઈએ તો પાણી લેવલની સપાટી 574.35 ફૂટ સાથે 32 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો,જ્યારે આ વર્ષે આજની તારીખમાં દાંતીવાડા ડેમની સપાટી 579.20 ફૂટની સપાટી સાથે 40.23 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ગઈ સાલ કરતા દાંતીવાડા ડેમમાં 4.85 ટકા પાણીનો વધુ જથ્થો ઉપલબ્ધ છે. જેના લીધે પીવાના તેમજ ઉનાળુ સીઝનમાં પિયત માટેના ત્રણ પાણી આપી શકાશે. દાંતીવાડા ડેમમાંથી દર મહિને પીવા માટે પાણી પુરવઠા વિભાગને 120 ગામોને 70 કરોડ 80 લાખ લીટર પાણી એક મહિનામાં પૂરું પાડવામાં આવી રહ્યું છે.