
બનાસકાંઠામાં 2025 સુધીમાં 4 અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટની સ્થાપના થશે
ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. મારુતિ સુઝુકી, બનાસ ડેરી અને NDDB વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થયા છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અમે બનાસ ડેરીના ચેરમેન એવા શંકર ચૌધરીની આગેવાની હેઠળ ભારતનાં એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશને જાપાનની મુલાકાત લીધી હતી. જેમાં NDDB ચેરમન મીનેશ શાહ, અમૂલ ફેડરેશનનાં MD જયેન મહેતા, બનાસ ડેરી MD સંગ્રામ ચૌધરી, NDDB ED રાજીવ સામેલ હતા. પ્રવાસનો મુખ્ય હેતુ મારુતિ સુઝુકી, બનાસ ડેરી અને NDDB વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં 4 અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ત્રીપક્ષિય કરાર કરવાનો હતો. તેમજ આ ક્ષેત્રમાં જાપાનમાં થયેલા સંશોધન અને વિકાસની જાણકારી લેવાનો હતો.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતને સ્વચ્છ બનાવવા અને ખેડૂતોને તેમના પશુપાલન વ્યવસાયની આડપેદાશોમાંથી વધારાની આવક મેળવવામાં મદદરૂપ થવાનો છે. આગળ જતાં પશુઓના છાણમાંથી મેળવાયેલી બાયો CNGની આ ક્લીન એનર્જીમાંથી ગ્રીન હાઇડ્રોજન તેમજ લિક્વિડ બાયો-મિથેન (LBM)નું ઉત્પાદન કરી ગ્રીન એનર્જીના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગ કરી શકાશે.ત્યાં થયેલ કરાર મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તમામ પક્ષોની પરસ્પર સમજૂતી મુજબ આ પ્લાન્ટોની સંખ્યા વધારો પણ કરવામાં આવશે. આ પ્લાન્ટો પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, તથા અંદાજિત રૂપિયા 230 કરોડના કુલ રોકાણ સાથે ગ્રીન અને ક્લીન એનર્જી પણ ઉત્પન્ન કરશે. CNG વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતરનું ઉત્પાદન પણ આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જની હાજરીમાં જાપાનના ટોક્યો ખાતેના ભારતીય દૂતાવાસમાં એક ભવ્ય કાર્યક્રમમાં ટી સુઝુકી (પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન) સાથે આ અંગેના એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભવિષ્યમાં આવા પ્લાન્ટ ગુજરાતના દરેક જિલ્લામાં સ્થાપવામાં આવશે. ગુજરાતનાં સહકારી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલ 36 લાખ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળશે અને NDDB દ્વારા દેશ ભરમાં આનો વ્યાપ વધશે. ડેલીગેશને જાપાન સંસદ ભવનની મુલાકાત લીધી હતી અને ત્યાંના સાંસદ સાથે મીટીંગ કરી હતી.જાપાનનાં કૃષિ અને ડેરી વિકાસ મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી ભારત અને જાપાન વચ્ચે ટેકનોલોજી આપ લે વિશે વિગતવાર ચર્ચા કરી હતી.સુઝુકી મોટર કંપની હેડ ઓફિસની મુલાકાત લઈ ત્યાંના પ્રેસિડેન્ટ સહિત ટોચનાં અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સુઝુકીએ ગુજરાત અને ભારતનાં વિકાસમાં કરેલા કાર્યો તેમજ ભવિષ્યની તકો વિશે ચર્ચા કરી. ઉપરાંત હોકાઇડોની મુલાકાત લઈ ત્યાંના બાયો ગેસથી ઉત્પાદન થતાં હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લઈ ભવિષ્યની ખૂબ મહત્વની ટેકનોલોજીની જાણકારી લીધી. જે ડેરી ઉદ્યોગ માટે ખુબજ ક્રાંતિકારી બની શકશે. ઉપરાંત ત્યાંના 2500 ગાય ધરાવતા મોટા ડેરી ફાર્મ અને ઓર્ગેનિક બટાકા ઉત્પાદન કરતા ફાર્મની પણ મુલાકાત લીધી હતી. રોજનું આશરે 20 લાખ લીટર દૂધ પ્રોસેસ કરતી યોત્સુબા ડેરી પ્લાન્ટની પણ મુલાકાત લીધી. જેના શેર હોલ્ડર હોકાઈડો ટાપુનાં 8 ખેડૂત એસોસિયેશન છે.બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે આ મુલાકાત અને તેના થયેલ કરારો થકી આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નદૃષ્ટા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી પ્રેરિત ‘ગોબરધન પ્રોજેક્ટ’ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીનાં ક્ષેત્રે હરણફાળ ભરવા ગુજરાત અને ભારત નો સહકારી ડેરી ઉદ્યોગ જઈ રહ્યો છે.માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને અંતર્ગત નેટ કાર્બન ન્યૂટ્રાલિટી તથા સરક્યુલર ઇકોનોમીને હાંસિલ કરવા માટે એક બહુજ મહત્વ નું પગલું છે. માનનીય વડાપ્રધાનશ્રીના હરિયાળું ભારત અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને વેગવંત બનાવશે.