પાલનપુર શો-રૂમમાં ગાડીના સામાનની ચોરી કરનાર 4 શખ્સો ઝડપાયા
પોલીસે મુદ્દામાલ રિકવર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા: પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલ શિવમ સેલ્સ કોર્પોરેશનના વર્કશોપમાં રિપેરિંગ અને સર્વિસ માટે આવેલ ગાડીઓમાંથી રૂપિયા 2.97 લાખના સ્પેરપાર્ટ ની ચોરી થઈ હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલતા ચાર આરોપી ઓને ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલ શિવમ સેલ્સ કોર્પોરેશનના શો-રૂમમાં સફાઈ કામ કરતા ચાર ઈસમોએ શિવમ સેલ્સ કોર્પોરેશન શો રૂમમાં સર્વિસ માટે આવેલા જુદી જુદી ગાડીઓમાંથી તેમજ ભંગાર સહિત કુલ ₹2.97 લાખની ચોરી કરી હતી. જે ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થતાં શોરૂમ ના મેનેજરે શો-રૂમમાં સફાઈ કામ કરતા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જેથી પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ ડી.બી.પટેલ સહિતની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં વસંતભાઈ પોપટભાઈ મકવાણા રહે.ધાનેરી તા. દાંતીવાડા, નીતિન કુમાર જયંતીલાલ પરમાર રહે. સેમોદ્રા તા. પાલનપુર, મહેશભાઈ નાથાભાઈ રાઠોડ રહે.સીસરાણા તા. વડગામ અને જતિનકુમાર હેમાભાઈ સોલંકી રહે. કંથેરીયા હનુમાન પાસે, પાલનપુરવાળાને ઝડપી લઇ તેમની પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ રિકવર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ ધરી છે.