ઘરવિહોણા ૩૩ લાભાર્થીને પોતીકા ઘરનું કાયમી સરનામું મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આસો નવરાત્રીની અષ્ટમીના પાવન દિવસે આદ્યશક્તિધામ અંબાજીમાં વિચરતી અને વિમુક્ત જાતિના ૩૩ ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસના પ્લોટ ફાળવી નવલી નવરાત્રિની અનોખી ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ૨૦૨૨ સુધીમાં સૌને માથે આવાસ છત્રનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં આવા વંચિત પરિવારોને પણ આવરી લેવાની આગવી સંવેદના દર્શાવી છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટીમાં વર્ષોથી કામ ચલાઉ-કાચા આવાસોમાં વસવાટ કરતા આ વિચરતી જાતિના ભરથરી પરિવારોને આવાસ માટેની જમીનની સનદનું વિતરણ કરી તેમને કાયમી સરનામું આપવાનું અને પોતીકા ઘરનું સપનું સાકાર કરાવ્યું છે. મુખ્યમંત્રીએ દાંતા તાલુકાના કુંભારિયા ગામના સરવે નંબર ૧૩૬માં ૩૩ ભરથરી લાભાર્થીને પ્રત્યેકને ૮૦ ચોરસ મીટરનો ઘરથાળ પ્લોટ ફાળવતા તેને નવરાત્રી પર્વે “શિવશક્તિ વસાહત” નામાભિધાન પણ કર્યું છે. તેમણે આ સનદ વિતરણ સાથોસાથ આવાસ નિર્માણ માટેની રાજ્ય સરકારની સહાયના કુલ ૪૦ લાખની સહાયના ચેક પણ લાભાર્થીઓને અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ લાભાર્થીઓને આસો નવરાત્રીએ મળી રહેલી વિનામૂલ્યે ઘરના ઘરની ભેટને આનંદની ઘડી ગણાવતા કહ્યું કે, સરકારે વિચરતી વિમુક્ત જાતિની વેદના સમજી તેનું નિવારણ લાવવાનો સફળ સેવાયજ્ઞ આવાસ માટે જમીન ફાળવણીથી આદર્યો છે. શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આ આવાસ માટેના પ્લોટની ફાળવણીની સમગ્ર પ્રક્રિયા માત્ર પાંચ જ દિવસમાં પુરી કરી તેને ‘જે કહેવું તે કરવું’ની કાર્ય સંસ્કૃતિની
પરિચાયક ગણાવી હતી.

એક દશકમાં વિકસતિ જાતિના ૧ લાખ ૮૨ હજાર લાભાર્થીઓને સહાય
લાભાર્થી ભરથરી પરિવારોએ પોતાની પરંપરાગત વાદ્યકળા રાવણહથ્થાથી મુખ્યમંત્રીશ્રીનું અદકેરું અભિવાદન કરી પોતાને આંગણે આવેલા અવસરની ખુશી વ્યક્ત કરી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે પંડિત દીનદયાળ આવાસ યોજના અન્વયે પાછલા એક દશકમાં વિકસતિ જાતિના ૧ લાખ ૮૨ હજાર લાભાર્થીઓને આવાસ સહાયની રૂ. ૫૧૩ કરોડની રકમ આપી છે. વિચરતી અને વિમુક્ત જાતિના ૨૧૨૬૪ લાભાર્થીઓને આ દસ વર્ષ દરમિયાન આવાસ સહાય આપીને પોતીકા ઘરનું સપનું સાકાર કરાવ્યું છે. એટલું જ નહીં, મહેસૂલ વિભાગમાં મારફતે આવા ૩૦૬૧ લાભાર્થીઓને વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ ફાળવવામાં આવેલા છે.

મુખ્યમંત્રીએ આ સનદ વિતરણ પૂર્વે આદ્યશક્તિ અંબાજીના ભક્તિભાવપૂર્વક દર્શન-પૂજા કર્યા હતા આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજા, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, લાભાર્થી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.