
બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા સાત દિવસ દરમિયાન 260 પેઢીમાં તપાસ કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવાળીના તહેવારોમાં આરોગ્ય પ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના કમિશ્નર ડો.એચ.જી.કોશીયાના માર્ગદર્શન હેઠળ તારીખ 01, ઓક્ટોબર થી તા 07 નવેમ્બર 2023 દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ટીમો બનાવી જિલ્લામાં સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
કાર્યવાહી અંતર્ગત સ્પેશીયલ ડ્રાઇવ યોજી તંત્ર દ્વારા જિલ્લામાં મીઠાઈ, નમકીન, માવો, ઘી, તેલ વગેરે જેવી ખાદ્યચીજો ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી કુલ 260 જેટલી પેઢીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન પેઢીઓમાંથી મિઠાઇના કુલ 99 નમુના, ફરસાણના કુલ 120 નમુના, ધી ના કુલ 40 નમુના, ખાદ્યતેલ વેજ ફેટના કુલ 21 નમુના, માવાના કુલ 30 નમુના તથા અન્ય ખાદ્યચીજોના કુલ 60 નમુના લેવામાં આવ્યા હતા.તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાયેલ મિઠાઇ, વેજ ફેટ, ધી નો કુલ 7763 કિગ્રા જથ્થો કિંમત 24 લાખ 96 હજાર 124 રૂપિયા નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ તપાસ દરમ્યાન બિન આરોગ્યપ્રદ મિઠાઇ અને માવાનો કુલ 378 કિગ્રા જથ્થો જેની કિંમત 80 હજાર 680 રૂપિયા નો નાશ કરવામાં આવ્યો હતો