ડીસાને ડ્રગ મુક્ત બનાવવા 250 લોકો દોડ્યા
ડીસા રોટરી ક્લબના નવ નિયુકત પ્રમુખ ડૉ.ડીકેશભાઈ ગોહેલ દ્વારા એમના કાર્યકાળના પ્રથમ દિવસે પહેલી જુલાઈના દિવસે સવારે છ વાગે બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ટુંકી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ ડીસાના સભ્યો, જુદી જુદી કોલેજોના વિદ્યાર્થી મિત્રો તેમજ આઇ.એમ.એના ડોક્ટર્સ , બેંકના કર્મચારીઓ, પોલીસ મિત્રો તેમજ અલગ અલગ સંસ્થામાંથી પધારેલ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. સાંઈબાબા મંદિરથી શરૂઆત થયેલી મેરેથોન દોડ જલારામ મંદિર, ગયાત્રી મંદિર, ફુવારા સર્કલ થઈ 5 કિલોમીટરે પૂર્ણ થઈ હતી.મેરેથોનમાં વિજેતા થયેલા ત્રણેય કેટેગરીના સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ મેડલથી નવાજવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં હેલ્થ અંગે જાગૃતિ આવે તેમજ યુવાનો વ્યસનોથી દુર રહી નાગરિક તરીકેની ફરજો તેમજ રોટરી દ્વારા થતી પ્રવૃત્તિની જાણકારી આપવાનો હતો. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજર મનોજકુમાર, રોટરી ક્લબ ડીસાના નવ નિયુકત પ્રમુખ ડૉ. ડીકેશભાઈ ગોહીલ, આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.હેતલબેન ગોહેલ, સેક્રેટરી ડૉ.મોનાબેન ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. હિરેનભાઈ પટેલ સહિત મિટી સંખ્યામાં રોટરિયન મિત્રો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.