જય જલિયાણ સેવા કેમ્પ રતનપુરમાં 24 કલાક સેવાની સરવાણી : 17 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ
જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા 17 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ
પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન, વિશાળ સમિયાણામાં આરામની વ્યવસ્થા અને મેડિકલની ઉત્તમ સુવિધા
અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે, જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા -રતનપુર ખાતે જય જલિયાણ સેવા કેમ્પ શરૂ કરાયો છે.જેમાં પદયાત્રીકોને મિષ્ઠાન, ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે.આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોઈ અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે.અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓ અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પદયાત્રીકોની સેવા માટે અંબાજીના માર્ગો પર સેવા કેમ્પો શરૂ થયા છે.
જેમાં છેલ્લા 17 વર્ષથી અંબાજી જતા પદયાત્રીકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40 હજાર ફૂટ જેટલો વિશાળ સમિયાણો બનાવવામાં આવ્યો છે. જેમાં પદ યાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પદયાત્રીકોનો થાક ઉતરી જાય તે માટે લાઇવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. સેવા કેમ્પનું ઉદ્દઘાટન જય જલિયાણ ફાઉન્ડેશનના હિતેશભાઈ ઠક્કર તથા જય જલિયાણ સેવા કેમ્પના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને કરવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે.
આ વર્ષે મેળામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધુ રહેશે : હિતેશભાઈ ઠક્કર માઇભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.આ વર્ષે કુદરતે ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે ત્યારે અંબાજી જતા માર્ગો પર માઈ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે.આ વર્ષે દર વર્ષ કરતા વધારે ભક્તો અંબાજી પહોંચશે. આ વર્ષે 35 થી 40 લાખ પદયાત્રીકો અંબાજી આવવાનો અંદાજ છે. જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ 50 થી 60 હજાર પદયાત્રીકો ભોજન પ્રસાદ અને અન્ય સેવા લાભ લે છે, સેવા કેમ્પમાં અનેક કાર્યકર્તાઓ સેવાઓ આપી રહ્યા છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું.
Tags 24 hours Jai Jallian Seva Camp