પાલનપુરમાં જમીનથી 17 મી. ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયાર: 12મીએ ઉદ્ધઘાટન
પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડનો એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર થઇ ગયો છે. જેનું 12મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે. પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે.
ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના છ હેવી ગર્ડર તૂટી જતાં 2 યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા. જેને લઈને જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની સામે ઓવર બ્રિજ ની કવોલિટી ને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.તેમજ ઓવરબ્રિજ ની ઉંચાઈ ને લઈને લોકોમાં ડરામણો ઓવરબ્રિજ હોવાનું રીવ્યુ આવ્યા હતા.
જોકે સતત લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયલો આ જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો થ્રીલેગ 89.10 કરોડનો એલિવેટેડ આરટીઓ બ્રિજ આખરે તૈયાર થઇ ગયો છે. આખા ભારતમાં પ્રથમ આવો થ્રીલેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બન્યો હતો. જોકે, ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા ઉકેલ માટે બનેલો બ્રિજ કેટલો અસરકારક પુરવાર થશે તે તો આવનારો સમય જ બતાવશે.