લુણવા ગામ નજીક ટ્રકમાં કતલખાને લઈ જવાતાં 160 બકરાં બચાવાયાં
પાલનપુર તાલુકાના લુણવા ગામ પાસેથી સોમવારે જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી 160 બકરા-બકરી ટ્રક ઝડપી લઇ સિધ્ધપુરના વાધણાના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર વિરબાઈ ગેટ એકલવ્ય નગરમાં રહેતા ચૈતન્ય રાણા તેમના મિત્ર રાહુલકુમાર જૈન અને લાલજીભાઈ સાથે સોમવારે જુના આરટીઓ સર્કલથી સાઈબાબા મંદિર તરફ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન એક ટ્રક શંકાસ્પદ જણાય આવતા જીવદયા પ્રેમીઓએ ટ્રકનો પીછો કર્યો હતો.
તે સમયે ટ્રાફિકના હિસાબે ટ્રક ટ્રાફિકમાં ફસાઈ જતા જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદ લઈ ટ્રકને રોકાવી ટ્રકમાં તલાસી કરતા ટ્રકમાંથી 160 બકરા-બકરી ભરેલા હતા. જેમાં પાણી કે ઘાસચારાની સગવડ રાખેલ ન હતી તેમજ કતલખાને લઈ જવાતા હતા. જેથી જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી ચાલક અબ્બાસખાન લાડેખાન સિપાઈ (રહે.વાધણા તા. સિધ્ધપુર) સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.