
ભાદરવી પૂનમ મહામેળામાં મુસાફરોને અગવડતા ના પડે તે માટે 1200 થી 1500 બસોનું સંચાલન કરાશે
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર મેળાને અનુરૂપ સુચારુ આયોજન માટે કટિબદ્ધ બન્યું છે. તેવામાં ગુજરાતના ખૂણે ખૂણેથી અંબાજી આવતા યાત્રિકોને તકલીફ ના પડે તે માટે એસ.ટી.તંત્ર દ્વારા યાત્રિકોની સગવડતા માટે મેળા દરમિયાન એસ.ટી.ના સંચાલન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા માઁઈ ભક્તો માટે આવવા-જવાની સુવિધા પૂરી પાડતા એક માત્ર એસ.ટી.તંત્ર દ્વારા યાત્રિકોને અંબાજી સુધી લાવવા અને પરત લઈ જવા માટે વધારાની બસો મૂકી પરિવહન સેવા પૂરી પડાતી હોય છે.
દર વખતે માઁઈ ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈ આ વખતે પણ ગુજરતના તમામ રૂટો માટે એસ.ટી.તંત્ર દ્વારા સુચારુ સંચાલન માટે તૈયારી કરી દેવાઈ છે. જેમાં આ વખતના મેળા માટે કુલ 1200થી 1500 બસો ખાસ મેળા માટે અંબાજી ખાતે મુકાઈ છે. જેમાં અલગ-અલગ સ્થળોએ જવા માટે દર વર્ષે કરતાં આયોજન મુજબ આ વર્ષે પણ તે જ સ્થળેથી બસોનું સંચાલન કરવામાં આવશે.અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો મંદિર બાદ ગબ્બર શક્તિપીઠ ખાતે અચૂક જાય છે. ત્યારે અંબાજીથી ગબ્બર આવવા-જવા માટે એસ.ટી તંત્ર દ્વારા 20 મીની બસ ફક્ત અંબાજી થી ગબ્બર માટે મૂકવામાં આવશે. જ્યારે અન્ય સ્થળો એ જવા માટે અલગ સ્ટેન્ડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.