
૧૦૮૦-ધ લિગસી ઓફ મહાવીર ફિલ્મ સામે ‘સ્ટે’
૨૭ ઓક્ટોબર શુક્રવારના રોજ રિલીઝ થનાર ‘૧૦૮૦-ધ લિગસી ઓફ મહાવીર’ ફિલ્મની સામે શ્રી મુંબઈ જૈનસંઘ સંગઠન દ્વારા હ્યુમન રાઈટ્સ કમીશનમાં અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણીમાં કમિશન દ્વારા ૨૧ નવેમ્બર ૨૦૨૩ સુધી તેના પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો છે. એટલે ત્યાં સુઘી ફિલ્મનું પ્રિવ્યૂ સેન્સર બોર્ડ કે કોઈથી પણ નહિ થઇ શકે, ફિલ્મને સેન્સર બોર્ડ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ નહિ આપી શકે અને ફિલ્મ રીલિઝ નહીં થઈ શકે. તા.૧૬મી નવેમ્બર સુધી પિક્ચરના પ્રોડ્યુસરના એડવોકેટને અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને પોત પોતાનો જવાબ ફાઈલ કરવા માટે અને કોપી પિટિશનરને સર્વ કરવાનું કહેવામાં આવ્યું છે. અને હવે પછીની હિયરિંગ ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ થશે. અમદાવાદના મહા સંઘનો પણ આ કાર્યવાહીમાં સતત સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.
હાલ પરંપરા શું છે ? ખાસ જાણવા જેવી વાત
અત્યારે અંજનશલાકા કે પ્રતિષ્ઠા સમયે જ્યારે પંચ કલ્યાણકની ઊજવણીમાં ભગવાનનું પાત્ર આવે ત્યારે કોઈ વ્યક્તિને આ પાત્ર સોંપવાને બદલે ત્યાં પ્રતીક સ્વરૂપે પરમાત્માની પ્રતીમા રાખવામાં આવે છે. પર્યુષણમાં જન્મ વાંચન સમયે ભગવાનના જન્મની વાત આવે ત્યારે પણ પારણામાં શ્રીફળ પધરાવીને પ્રભુની પ્રતિકૃતિ રાખવામાં આવતી હોય છે. પૂજ્ય મહાત્માઓના પણ પાત્ર ભજવવાની વાત આવે તો માત્ર ત્યાં તેમનો ફોટો પ્રતીક રૂપે મૂકવામાં આવે છે. નાના બાળક- બાલિકાઓને પણ વેશભૂષા આદિમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો વેશ નહીં પહેરાવવાની જૈનસંઘમાં પરંપરા ચાલુ છે. કેમ કે આ વેશ અને તેના પ્રતીકો, ઓઘો, દાંડો કે પાતરા વગેરે દીક્ષા સમયે વિધિપૂર્વક ઊચિત આત્માઓને તેઓ માંગણી કરે ત્યારપછી જ આપવામાં આવતા હોય છે. અને શાસ્ત્રો ફરમાવે છે કે અગ્નિમાં ઝંપાપાત કરીને મૃત્યુ પામવું સારૂ પણ કોઈપણ સંજાેગોમાં એકવાર લીધેલો વેશ ઉતારવો નહીં. આ સર્વ માન્ય છે.
હાલ આચાર્ય ભગવંતો શું જણાવે છે ?
ઈ.સ.૨૦૦૪માં પૂજનીય ગીતાર્થ શ્રવણ ભગવંતો દ્વારા સકળ શ્રીસંઘને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં ૩૬ આચાર્ય ભગવંતોએ એક નિવેદનમાં સહી કરેલી છે અને અન્ય ૨૨ આચાર્ય ભગવંતોએ પોતાના સ્પષ્ટ અભિપ્રાયો આપવા દ્વારા જૈન સંઘને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે કે આવા ધંધાદારી પિક્ચરો વગેરેમાં કોઈએ પણ આ પાત્રો કરવા નહીં અને જાે કોઈ કરે તો તેનો સખ્ત વિરોધ કરવો. કેમ કે ધર્મ સુધારણાના ઓઠા હેઠળ ચાલતી આવી ધમદ્ર્રાેહી પ્રવૃત્તિ બંધ થવી જ જાેઈએ. તપાગચ્છીય પ્રવર સમિતિએ તેમજ બે તિથિના વરિષ્ઠ આચાર્ય ભગવંતોએ તેમ જ પાર્શ્વગચ્છના વરિષ્ઠ ઉપાધ્યાય ભગવંતે તેમ જ ત્રિસ્તુતીકના વરિષ્ઠ આચાર્ય ભગવંતે તેમ જ અચલગચ્છના ગચ્છાધિપતિએ એક મતે પત્ર લખીને આ પિક્ચર રીલિઝ ન થાય તેવું સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. એટલું જ નહીં ખરતરગચ્છીય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જિણ મણિપ્રભુસૂરિજીએ પણ પોતાના જ સમુદાયના અને આ પિક્ચરના માર્ગદર્શક શ્રી જિન પિયુષસાગરસૂરિજી મ.સાને જણાવ્યું છે કે જ્યાં સુધી ઉપરોક્ત બધા આચાર્ય ભગવંતોના મનમાં ઉદભવેલી બાબતોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આ પિક્ચર રિલીઝ ન કરવું. સમગ્ર જૈનસંઘમાં આ પ્રમાણે મોટા ભાગના ગુરૂ ભગવંતોની અસંમતિ હોવાછતાં આ પિક્ચર રીલિઝ થવા માટે આગળ ધપી રહ્યું છે.
શ્રી મુંબઈ જૈનસંઘ સંગઠન તથા અમદાવાદ મહાસંઘ દ્વારા રજૂઆત
શ્રી મુંબઈ જૈનસંઘ સંગઠન અને અમદાવાદ મહા સંઘે પ્રથમ ડિરેક્ટર અને પ્રોડ્યુસરને પત્ર લખીને આ ફિલ્મ જ્યાં સુધી જૈનસંઘના વરિષ્ઠ શ્રાવકો જૂએ નહીં ત્યાં સુધી રીલિઝ ન કરવા માટે વિનંતી કરી હતી. પરંતુ તેઓએ આ વાત કાને નહીં ધરતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર બોર્ડના અધિકારીઓ સામે વ્યક્તિગત રજૂઆત કરીને જૈન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ રહી છે. અને વરિષ્ઠ આચાર્ય ભગવંતોનો આટલો મોટો સમૂહ જ્યારે ના પાડે ત્યારે આ ફિલ્મ રજૂ ન થવી જાેઈએ તેવી વિનંતી કરી હતી. જેનો યોગ્ય પ્રતિસાદ મળ્યો છે અને હાલ તેઓએ આ પ્રોસિજર પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મને રીલિઝ થવા માટે સર્ટિફિકેટ નહીં આપે તેવી મૌખિક બાંહેધરી આપી છે. શ્રી મુંબઈ જૈનસંઘ સંગઠને ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ ૬૯-એ હેઠળ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને જ્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય ત્યારે આવા પિક્ચરોને અટકાવવાની તેમની સત્તા છે તે વાતને ધ્યાનમાં લઈને હ્યુમન રાઈટ્સ કમિશનમાં એક એપ્લિકેશન કરી છે જેની સુનાવણીમાં સ્ટે મળ્યો છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે પણ શાસ્ત્રવચનો હોય અને પરંપરા ચાલી આવતી હોય તેવા સમયે તે શાસ્ત્રાજ્ઞાને માન્ય રાખવાની છૂટ આપેલી છે.
આ ફિલ્મમાં શું છે ?
આ ફિલ્મમાં ૧૧મી સદીના સમયમાં જે કાંઈ નબળાઈઓનો પ્રવેશ થયો હતો તેને દુર કરવા તે વખતના પૂજ્ય ગુરૂ ભગવંતોએ શું મહેનત કરી અને તે દ્વારા શ્રી મહાવીર પ્રભુનો વારસો કેવી રીતે ટકાવી રાખ્યો ? તે દર્શાવવા માટે ખરતર ગચ્છીય આચાર્ય શ્રી જિન પિયુષસાગરસૂરીશ્વરજી મ.સાના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. જેના ડાયરેક્ટર અભિષેક માલુ છે અને મહાવીર ટોકિઝ- મલાડ દ્વારા આ ફિલ્મ રીલિઝ કરવામાં આવી રહી છે.
આ ફિલ્મનો વિરોધ શા માટે ?
મુખ્યત્વે આ ફિલ્મમાં શ્રી મહાવીર સ્વામી પ્રભુ, ગણધર ભગવંતો અને પૂજ્ય સાધુ ભગવંતોના પાત્રો એક્ટર દ્વારા ભજવ વામાં આવી રહ્યા છે. તેનો જૈનસંઘો અત્યારે જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. કેમકે ફિલ્મોમાં કે અન્ય સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિગત પાત્ર તીર્થંકર આદિના પાત્રો ભજવે તો તેઓ કોઈપણ સંજાેગોમાં તેને ન્યાય ન આપી શકે. તેથી તે પવિત્ર પાત્રોનું અવમૂલ્યાંકન થવાથી જૈનસંઘોમાં છેલ્લા ઘણાં વર્ષોથી આ એક પરંપરા રહી છે કે આવા પવિત્ર પાત્રો તે કોઈ વ્યક્તિએ ભજવવા જાેઈએ નહીં.