થરાદમાં પેટ્રોલ – ડીઝલ સહિત મોઘવારીના વિરોધમાં ચક્કાજામ કરનાર કોંગ્રેસના ૧૦ નેતાઓની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ :છેલ્લા પખવાડીયામાં જ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં આઠથી દસ રૂપીયાનો કમ્મરતોડ વધારો ઝિંકવામાં આવ્યો છે. જેના વિરોધમાં થરાદમાં વિરોધ પ્રદર્શન કરનાર બનાસકાંઠા જીલ્લાના પ્રમુખ અને વાવના ધારાસભ્ય સહિત થરાદના અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાઇકલ રેલી અને ઉંટલારી પર બેસીને કાંગ્રેસ કાર્યાલયથી ટ્રાફિક પોલીસના નિયંત્રણ સાથે બેનર તથા સુત્રોચ્ચાર કરીને થરાદના બળીયા હનુમાન ચોક સુધી પહોંચ્યા હતા.
કોરોનાના કહરના કારણે પડી ભાંગેલા ધંધા રોજગાર વચ્ચે સરકાર દ્વારા છેલ્લા પખવાડીયામાં પેટ્રોલ ડિઝલ તથા મોંઘવારીમાં કમ્મરતોડ વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં થરાદમાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકી સાઇકલ રેલી કાઢી વિરોધ કરતા કાર્યક્રમનું બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી, થરાદ તાલુકા કાંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કાંગ્રેસ અગ્રણી ડીડી રાજપુત, પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહ રાજપુત, જીલ્લાપંચાયતના સદસ્ય માંગીલાલ પટેલ, પુર્વ જી.પં.સદસ્ય ભીખાભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી દિલાવરસિંહ વાઘેલા, થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, થરાદ આઈટી સેલ પ્રમુખ પ્રવીણભાઇ વરણ, વિક્રમભાઇ પરમાર, નિલેષ પરમાર સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેઓ કાંગ્રેસ કાર્યાલયથી સાયકલ અને ઉંટલારી પર બેનર અને સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે થરાદના મુખ્ય પ્રવેશદ્વાર બળીયાહનુમાન ચોક પર પહોંચ્યા હતા. જ્યાં ચક્કાજામ કરવાની કોશિષ કરતાં પોલીસ દ્વારા વાવના ધારાસભ્ય સહિત ૧૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અને પોલીસમથકમાં થોડા સમય માટે નજરકેદ કર્યા હતા. આ અંગે થરાદ તાલુકા કાંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભાવવધારો કરવામાં આવતાં આવી કારમી સ્થિતીમાં વાહનચાલકો અને ખેડુતો પર કારમો બોઝો પણ ઝિંકાયો છે. આવા સમયમાં કાંગ્રેસ પ્રજાની પડખે ઉભી છે અને જો આ ભાવવધારો પાછો નહી ખેંચવામાં આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન પણ છેડવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.