પાલનપુરના આંગણે ૨ થી ૪ મે દરમ્યાન મા અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સામાજિક સમરસતા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પાલનપુરના આંગણે આગામી ૨ થી ૪ મે-૨૦૨૦ દરમ્યાન મા અર્બુદા રજત મહોત્સવની ઉજવણી- ૧૦૮ કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. અર્બુદા ધામ, આદર્શ વિધા સંકુલ, ડેરી રોડ, પાલનપુર ખાતે યોજાનાર આ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મહાયજ્ઞના આયોજકો અને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ ત્રિ-દિવસીય મહાયજ્ઞમાં સમગ્ર ગુજરાત અને દેશના ૧૨ રાજ્યોના આશરે પાંચ  લાખથી વધુ દર્શનાર્થીઓ પધારનાર હોઇ તેમની સરભરા સહિતની વ્યાપક વ્યસ્થાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મા અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞને અનુલક્ષી કલેકટર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને પોતાના વિભાગને લગતી કામગીરી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા, તા.૦૨/૦૫/૨૦૨૦ના રોજ નીકળનાર શોભાયાત્રા દરમ્યાન આદર્શ સંકુલથી બજાર સુધી ટ્રાફિક નિયમન અને પોલીસ બંદોબસ્ત, મહોત્સવ દરમ્યાન પાર્કિગ વ્યવસ્થા, વાહન વ્યવહાર માટે રસ્તાઓના સમારકામ અને દબાણ દૂર કરાવવા, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને મહત્વની જગ્યાએ મેડીકલ ટીમ દ્વારા સેવા કેમ્પ બનાવવા, સ્વચ્છતા, સેનિટેશન, ઘનકચરાના નિકાલની વ્યવસ્થા, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઇ રહે તેની વ્યવસ્થા, જિલ્લાના ગામોમાંથી લોકોને યજ્ઞ સ્થળે આવવા વાહનોની સુવિધા, પાલનપુર નગરપાલિકા વિસ્તારના રોડ-રસ્તાનું સમારકામ કરવા, પાર્કિગ વ્યવસ્થા, ફાયર ફાઇટર, મોબાઇલ ટોયલેટ વાન, સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ બનાવવા ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આયોજકોએ જણાવ્યું કે, મહાયજ્ઞ દરમ્યાન ૫,૦૦૦ જેટલાં તાલીમબધ્ધ સ્વંયસેવકો પોતાની સેવાઓ આપી દર્શનાર્થે આવતા લોકોની સેવા કરશે. બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી કેશરભાઇ ભટોળ, મહામંત્રીશ્રી શામળભાઇ કાગ, અખિલ આંજણા મહાસભાના પ્રમુખશ્રી વિરજીભાઇ જુડાલ, અગ્રણીશ્રી હરેશભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આયોજન સમિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.