ક્વોલિટી ઓફ લીડરશિપ : ગલબાભાઈએ રાજકારણને સ્વાર્થનીતિ નહીં પણ સેવાનીતિ બનાવી હતી

બનાસકાંઠા
બનાસકાંઠા

ગલબાભાઈ નાનજીભાઈ પટેલના જીવનથી ઘણું બધું શીખી શકાય. ગલબાભાઈ પટેલના જીવન તરફ નજર કરીશું તો નખશિખ પ્રમાણિક અને માનવતાવાદી નેતા તરીકે દેખાઈ આવશે. જ્યાં માનવતા હોય ત્યાં વિશ્વાસનો સેતુ બંધાતો હોય છે, તેઓ સર્વને માટે લાગણીનું સરોવર હોય છે. ગલબાભાઈએ રાજકીય જીવનમાં કોઈ દિવસ સ્વાર્થનીતિ અપનાવી ન હતી, પણ સેવાનીતિ અપનાવી હતી. જ્યાં  સ્વાર્થ હોય છે ત્યાં અંધકાર હોય છે. બીજું એ કે સ્વાર્થમાંથી માત્ર છળ પેદા થાય છે. છળ હોય ત્યાં માનવતા ન હોય…!
વર્તમાન સમયમાં રાજનેતાઓએ ગલબાભાઈ પટેલના જીવનમાંથી ઘણું બધું શીખવું જોઈએ. કારણ કે તેમણે લોકો અંજાઈ જાય એ માટે  તેમની સામે હાથ જોડીને ઊભા રહે તેવું વર્તન જાહેર જીવનમાં કર્યું ન હતું, પણ ખરા અર્થમાં લોકોને લાગણીપૂર્વક મદદરૂપ થતાં હતાં. 
ગલબાભાઈ પટેલમાં ગજબની ‘ક્વોલિટી ઓફ લીડરશિપ’ હતી. તેમનામાં નેતૃત્વ કરવાની શક્તિમાં એક પ્રકારે વિશિષ્ટ ગુણો હતા અને તેમાં કોઈ સ્વાર્થ નહીં પણ માનવસેવા અને લોકોનાં કલ્યાણને ઉપયોગી થવા માટેનો હેતુ હતો. ગુજરાતી સાહિત્યના સૌથી મોટા ઍવોર્ડ “જ્ઞાનપીઠ”થી પુરસ્કૃત કવિ અને ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ ગલબાભાઈ વિશે લખ્યું છે કે, “ગલબાભાઈ માત્ર ત્રણ ચોપડી ભણ્યા હતા, પણ પછી જીવનની શાળામાં સતત કેળવાતા રહ્યા. નિષ્ફળતાઓથી હાર્યા નહિ ને સંકલ્પોમાં ડગ્યા નહિ. એ ગરીબ હતા પણ એમણે કોઈની દયા ઉઘરાવી નહિ. ગરીબીને ગૌરવથી જીરવી અને એનો પોતાના ઘડતરમાં ઉપયોગ કર્યો. ધારાસભા, જિલ્લા પંચાયત, બનાસ ડેરી જેવી મોટી જવાબદારીઓ આવી ને સાધન-સગવડ વધ્યાં તે પછી પણ પૂર્વવત્ સાદગીભર્યુ નિર્દોષ-નિખાલસ જીવન એમને પસંદ હતું. મોટાઈનાં દેખાવથી બચીને એ સતત વિકસતા રહ્યા.
“વતનની ધૂળનો એમણે મહિમા વધાર્યો. કુંટુંબ કોમ સાથે તે સંકળાયેલા રહ્યા, એના સુધારાઓમાં રસ લેતા રહ્યાં, પણ ન બન્યા કદી પ્રદેશવાદી કે કોમવાદી, હરિજનો-મુસ્લિમો જેવા સમાજના દબાયેલા ઉપેક્ષિત વર્ગો માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે કામ કર્યું. ઉંમગથી,  એમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે બનાસકાઠાં અને ઉત્તર ગુજરાત રહ્યું છે. હવેથી એ બનાસકાઠાં તરીકે ઓળખાય એ સર્વથા યોગ્ય છે પણ એમની લોકચાહના અને સચ્ચાઈ એવી હતી. દેશના અને સમગ્ર વ્યક્તિના જીવન માટે પ્રેરક દ્રષ્ટાંત બની શકે.” 
ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી બાબુભાઈ જે. પટેલે ગલબાભાઈ વિશે લખ્યું છે  કે  “શ્રી ગલબાભાઈ બનાસકાઠાં જિલ્લાના ખેડૂતો અને પછાત વર્ગના લોકોના સાચા મિત્ર હતા અને તેમણે જીવનભર નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ઉમદા સેવાના અને નવરચનાના કાર્યો પાર પાડ્‌યા હતા. જિલ્લામાં દુષ્કાળ પડ્‌યો ત્યારે અછતગ્રસ્ત લોકોને રાહત આપવામાં તેમણે સુંદર આયોજન કરીને કામગીરી બજાવી હતી. તેમણે પોતાની સૂઝ અને વ્યવસ્થાશક્તિથી બનાસ ડેરીની સ્થાપના અને વિકાસમાં મહ¥વનો ફાળો અને ભોગ આપ્યો હતો. જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને એક કરવા માટે તેઓ સતત ચિંતા કરતા અને પ્રયત્નશીલ રહેતા. તેમની નમ્રતા, સાદાઈ અને સેવાની ધગશ અજોડ હતી. તેમનું જીવન ગ્રામસેવાનાં કાર્યો કરવા માટે સદાય પ્રેરણારૂપ રહેશે.”
ભારત દેશમાં સોનેરી આઝાદી આવી ચૂકી હતી. પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણી આવી ત્યારે ‘બનાસના કાકા’ તરીકે ઓળખાતા ગલબાભાઈ પટેલને કોંગ્રેસ સંસ્થાએ ટિકિટ આપી હતી અને દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભામાં ગલબાભાઈ ચૂંટાઈ આવ્યા.
ગલબાભાઈ  ધારાસભ્ય બન્યા ત્યારે સત્તાને સેવાયજ્ઞ બનાવી દીધો હતો. પોતાના મતવિસ્તારમાં આવતા અને ગામડે-ગામડે બહુ જ ફરતા હતા. ગરીબપ્રજાને મળતા હતા તેમજ તેની વાતો સાંભળતા હતા. આજે પણ બનાસકાઠાંને પછાત વિસ્તાર ગણવામાં આવે છે. તો તે સમયે કેવી સ્થિતિ હશે ! એવા સમયે ગલબાભાઈએ પોતાની ધારાસભ્ય તરીકેની ફરજ અદા કરી હતી અને ગમે તેમ કરી ખેડૂતોને સદ્ધર કરતા હતા. બનાસકાઠાં માટે દુષ્કાળ એ કુદરતી ઘટના હશે, પરંતુ કર્મ થકી ભાગ્ય બદલાઈ શકે છે તેવું ગલબાભાઈ પટેલ દ્રઢપણે માનતા હતા. તે સમયે ગલબાભાઈએ વિચાર્યું કે, “જ્યાં પાણી કૂવાઓમાં નીકળી આવે છે ત્યાં સિંચાઈ દ્વારા ખેતી કરવી. કૂવા ઉપર ઓઈલ એન્જિન મૂક્યું હોય તો ?  કેટલાક કૂવા ઉપરકોશ દ્વારા કે રેંટ દ્વારા મર્યાદિત પ્રમાણમાં સિંચાઈ થતી. જો ઍન્જિન કૂવા ઉપર બેસાડવામાં આવે તો ખેડૂતો વધુ પાક લઈ શકે અને વધુ સમૃદ્ધ બની શકે. પરંતુ ખેડૂતો ઍન્જિનને કેવી રીતે લાવી શકે ? આખરે તેમણે નવાસર ટિમ્બાચૂડી ઈરોગેસન સોસાયટીની સ્થાપના કરી અને પોતે તેના ચેરમેન બન્યા.” (ગલબાભાઈ સ્મૃતિગ્રંથ) 
ગલબાભાઈ પટેલે ખેડૂતોને મદદ કરવા માટે તમામ પ્રકારની મદદ કરી હતી. તે સમયે સરકારે લિફ્‌ટ ઈરીગેશન યોજનાની શરૂઆત કરી હતી. ગલબાભાઈએ ઈ.સ ૧૯૫૨માં સર્વ પ્રથમ બે રસ્ટન ઍન્જિન બનાસકાઠાંમાં લાવ્યા હતા. તે વખતે બનાસકાઠાં માટે ઍન્જિનનો પ્રથમ અનુભવ હતો. ખેડૂતોને આ
આભાર – નિહારીકા રવિયા  યોજનાનો લાભ મળ્યો એટલે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. પાછળથી ગલબાભાઈ મજાદર લિફ્‌ટ ઈરીગેશન સોસાયટીની સ્થાપના પણ કરી હતી. તેના લીધે અનેક ખેડૂતોને લાભ થયો હતો.
૧લી મે, ૧૯૬૦માં ગુજરાત તરીકે અલગ રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવતા ગલબાભાઈ પટેલ વડગામ તાલુકા પંચાયતાના પ્રમુખ બન્યા અને ૧૯૬૮માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા.
ગલબાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા ત્યારે બનાસકાઠાં દુષ્કાળનો ભયંકર સામનો કરી રહ્યો હતો. તે સમયે તેમના પારદર્શક વહીવટકાળથી ખેડૂતોને મદદ મળી હતી. તેઓએ દુષ્કાળગ્રસ્ત જિલ્લાના માનવ તથા પશુધનને બચાવવા માટે રાત દિવસ જોયા વગર અથાગ પરિશ્રમ કરીને મદદ કરી હતી. પરંતુ કુદરત સામે માનવી લાચાર બની જાય છે.  તેમાં દુષ્કાળ સમયે અબોલ પશુધન ટપોટપ મરવા લાગ્યાં હતા. ઘાસચારાનો અભાવ હતો. દયાના સાગર અને નિષ્કામ કર્મયોગી ગલબાભાઈએ પાલનપુર, વડગામ ગામડે-ગામડે સભા કરી હતી અને ખેડૂતોને સમજાવ્યા અને ખેડૂતોને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે, “તમે દરેક ખેડૂતો ઓછામાં ઓછી એક ગાયને બચાવો. તમને ખૂબ પુણ્ય થશે. તમારા ઢોરોનો ઓગઠ ખાઈને તે જીવશે. આટલું કામ જરૂરથી કરો. ભગવાન તમારું ભલું કરશે.” 
ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર જ્ઞાનપીઠથી સન્માનિત શ્રી રઘુવીર ચૌધરીને ગલબાભાઈ પટેલ માટે ખૂબ જ આદર હતો. તેમણે એક વાત કહેલી અને જો તે બાબત તમામ જાહેર જીવનમાં રહેતા નેતાઓ અનુસરણ કરે તો તેમનામાં પણ  ‘ક્વોલિટી ઓફ લીડરશીપ’ તરીકેના ગુણો ઉપસી આવે. તેમણે તેમના વિશે એવું કહેલું કે “ધારાસભામાં જવું, જિલ્લા-પંચાયતીના પ્રમુખ થવું કે ડેરીના પ્રમુખ થવું, આ બધી વસ્તુઓ તો બનાસકાઠાંના ગ્રામસમાજના ધોરણે ઘણી મોટી કહેવાય. માણસને તરત સભાન કરી દે ‘મોટાભા’ ની રીતે વર્તવાની ફરજ પાડે. પરંતુ કોઈ પણ પદ કે મોભાએ એમને છેતર્યા નહીં. તેઓ એમની અંતરતમ સચ્ચાઈ અને સાદગીપૂર્વક પૂર્વવત્ રહ્યા. આ તબક્કે પહોંચેલ માણસને છાણ કે છાણાની સૂગ આવે એ તબક્કે એ પોતાની ટોપીની મદદથી છાણ સાચવી લઈ રાષ્ટ્રીય સંપત્તિના એક લઘુતમ એકમનો દુરવ્યય થતો અટકાવે છે. આમ કરવામાં એમણે વિચાર કરવો પડતો નથી.”
ગલબાભાઈ એટલે સંસ્કારનું મંદિર
ગલબાભાઈ એટલે દયાનો સાગર
ગલબાભાઈ એટલે માનવતાનું વૃક્ષ
ગલબાભાઈ એટલે
નિઃસ્વાર્થની બોલતી મૂર્તિ
ગલબાભાઈ એટલે માનવ-સમુદાયનો કલ્યાણકારી નેતા.
કાશ ! બનાસકાંઠાને એક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની જરૂર છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.