કોરોના : બનાસકાંઠામાં તંત્ર એક્શન મોડમાં, બોર્ડરના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકીંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

કલેકટરે વિડીયો કોન્ફરન્સ યોજી અધિકારીઓને એલર્ટ રહેવા સુચના આપી
 
પાલનપુર 
  
વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ (COVID-19) ને પહોંચી વળવા તથા રાજ્યમાં આ વાયરસ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા વિરાટપાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંગે વિશેષ કાળજી લેવા આરોગ્ય વિભાગના તજજ્ઞો તેમજ ભારત સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકાઓને ધ્યાને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે દ્વારા જિલ્લાના અધિકારીઓને આ અંગે કામગીરીની ફાળવણી કરવામાં આવી છે. કલેકટરે વિડીયો કોન્ફરન્સ યોજીને પ્રાંત અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી આ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. 
 
     
કોરોના વાયરસથી લોકોને સુરક્ષિત રાખવા કલેકટરએ પ્રાંત અધિકારીઓને જણાવ્યું કે, હાલના સમયમાં જિલ્લામાં સંમેલનો, સભાઓ અને ધાર્મિક મેળાવાડા તથા સામાજિક કાર્યક્રમો વગેરે મોકુફ રાખવા નાગરિકોને સમજાવીએ. સિનેમા, જીમ, સ્વીમીંગ, મોટા મોલ, લાયબ્રેરી વગેરે સ્થળોને આ વાયરસના સંક્રમણથી અટકાવવા સંકલન કરીએ. કલેકટરશ્રીએ કહ્યું કે, વૃધ્ધાશ્રમ રેનબસેરા તથા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરીએ. 
       
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સીવીલ સર્જન પાલનપુરને કલેકટરએ જણાવ્યું કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં જરૂરી દવાઓ અને આઇસોલેશન વોર્ડ અને લેબોરેટરીની સુવિધા કરવી. તેમજ સતત મોનીટરીંગ, મુલાકાત ક્વોરેન્ટાઇન સુવિધા ઉપલબ્ધ બનાવવા અંગે તમામ કામગીરી, એમ્બ્યુલન્સ અને ૧૦૮ વગેરે સેવાઓની આગોતરી સેવાની વ્યવસ્થા રાખીએ. તેમણે કહ્યું કે, વિદેશથી આવતા વ્યક્તિઓનું સ્કેનીંગ કરવું, બોર્ડરના તાલુકાઓમાં એન્ટ્રી પોઇન્ટ પર આરોગ્યની ટીમો દ્વારા સઘન ચેકીંગ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવેલ વ્યક્તિઓનું એડવાઇઝરી મુજબ નિરીક્ષણ કરીએ. સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવા તેમજ સમયસર આ અંગે રિપોર્ટીંગ કરવા કલેકટરે સુચના આપી હતી. 
    
જિલ્લાની તમામ સરકારી તથા ખાનગી શાળાઓ, કોલેજો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી ટ્યુશન ક્લાસીસ અને આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય તા. ૨૯ માર્ચ સુધી બંધ રાખવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તમામ એસ. ટી. બસો અને બસ સ્ટેશનો ખાતે સાફ-સફાઇ કરવા અને ચેપ અટકાવવા ઝુંબેશ હાથ ધરવા વિભાગીય નિયામકશ્રીને કલેકટરશ્રીએ સુચના આપી હતી. તેમણે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને જણાવ્યું કે, જાહેર જનતાના ઉપયોગ માટે ખાનગી પરિવહનના વાહનોમાં સફાઇ અને ચેપ અટકાવવા અંગે ઝુંબેશ હાથ ધરી કામગીરી કરીએ. 
        
મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના તમામ ચીફ ઓફિસરોને કલેકટરે સુચના આપતાં જણાવ્યું કે, હોટલ, રેસ્ટોરન્ટ તથા મોલમાં આવતા લોકો માટે ફરજીયાત સેનીટરાઇઝેશનની કામગીરી કરાવીએ તેમજ જાહેર જગ્યાઓ અને લોકોની અવર-જવર વધુ હોય તેવા સ્થળો પર સાબુ અને સેનીટરાઇઝેશનથી હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવી. વાયરસનો ફેલાવો ન થાય અને રોગપ્રતિકારક શક્તિ ઘટે નહીં તે માટે જાહેર જનતાની જાગૃતિ વધારવા કામગીરી કરવા જણાવ્યું હતું. આ માટે લોકોએ પુષ્કજળ પ્રમાણમાં પ્રવાહી લેવું, પુરતો આરામ કરવો, હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે અભિવાદન કરવું, સાબુ કે સેનેટાઇઝરથી વારંવાર હાથ ધોવા તેમજ ઉધરસ અને છીંક ખુલ્લામાં ન ખાવા તથા જાહેર જગ્યાએ થૂંકવા પર પ્રતિબંધ મુકવા સહિત લોકોને જાગૃત કરવા અધિકારીઓને જણાવ્યું હતું. 
        
 નાયબ પોલિસ અધિક્ષકને કલેકટરે જણાવ્યું કે, સંબંધિત તમામ આઇસોલેશન સેન્ટર, ક્વોરોન્ટાઇન સેન્ટરો, બસ સ્ટેશનો, જાહેર સ્થળો  વગેરે પર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવીએ. જિલ્લા સંકલનના તમામ અધિકારીઓને કલેકટરે જણાવ્યું કે, આપની તથા તાબાની કચેરીઓમાં જાગૃતિ, માર્ગદર્શન, સ્ક્રીનીંગ પ્રિવેન્ટીવ વ્યવસ્થા અંગેની તમામ કામગીરી કરીએ. બનાસ ડેરી, એ.પી.એમ.સી. તથા અન્ય સહકારી સંસ્થાઓમાં સેનિટાઇઝેશન અંગેની કામગીરી ફરજીયાતપણે કરવા જિલ્લા રજીસ્ટ્રારને સુચના આપી હતી.   

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.