અંબાજીનાં બજારમાં મહત્તમ વેપાર યાત્રીકોને આધીન, મંદિર બંધ હોવાથી કોઇ જ યાત્રીકો આવી નથી રહ્યા તો વેપાર ક્યાંથી ચાલશે..

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ અંબાજી : કોરોના વાઇરસને લઇ ત્રણ લોકડાઉન બાદ ચોથુ લોકડાઉન પણ શરૂ થઇ ગયુ છે. ચોથા લોકડાઉનમાં રાજ્ય સરકારે મહત્તમ બજારો ખોલવાની છુટ છાટ પણ આપી છે. ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર બે મહીનાથી સળંગ બંધ છે. તેમાં કોઇ જ છુટછાટ આપવામાં આવી નથી. શ્રદ્ધાળુઓ ન આવતાં કરોડો રૂપીયાની નુકશાની થઇ રહી છે.
યાત્રાધામ અંબાજી લોકડાઉનનાં પગલે છેલ્લા બે માસથી શ્રદ્ધાળુઓ માટે સંપુર્ણ બંધ કરી દેવાતાં સમગ્ર અંબાજી મંદિર પરીસરમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. જ્યાં ચાચરચોકને માતાજીનું સભા મંડપ બોલ માંડી અંબે જય જય અંબેનાં નાદથી ગુંજતા હતા. તે આજે શાંત અને સુમસામ જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજી મંદિર ગુજરાતનું મોખરાનું મંદિર માનવામાં આવે છે. વર્ષે કરોડો રૂપીયાની આવક દાન ભેટમાં થતી હોય છે. પણ હાલમાં લોકડાઉનનાં પગલેં અંબાજી મંદિર બે મહીનાથી બંધ હોવાથી ગત્ત વર્ષની સરખામણીએ મંદિર ટ્રસ્ટને માત્ર બે મહીનામાં જ ૬.૧૧ કરોડની દાન ભેટની આવકની નુકશાની થવાં પામી છે. જોકે અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં ૫૦૦ જેટલાં કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા છે. પણ ટ્રસ્ટ દ્વારા એક પણ કર્મચારીને આવા કપરા સમયમાં પણ દુર નથી કર્યા કે પગાર પણ કપાત કર્યો નથી. મંદિર ટ્રસ્ટ કર્મચારીઓનાં પગાર સહીત વિવિધ ખર્ચની વાત કરીએ તો આ લોકડાઉન દરમીયાન ટ્રસ્ટે રૂપીયા ૫.૮૮ કરોડનો ખર્ચ કર્યો છે. પણ ટ્રસ્ટે આ ખર્ચ માટે એક પણ એફ.ડી તોડાવી નથી કે સોના ચાંદી વેચ્યાં નથી. મંદિર ટ્રસ્ટ પાસે હાલ ૨૨૩ કિલો સોનું હયાત છે. તેમાંથી ૫૬ કિલો સોનું સરકારની ગોલ્ડ મોનીટાઇઝેસન સ્ક્રીમમાં મુકવામાં આવી છે. અને તેપ ૈકી નું ૧૨૭ કિલો સોનું મંદિર ટ્રસ્ટ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે. જ્યારે ચાંદી ૬૬૦૦ કિલો ટ્રસ્ટનાં સ્ટ્રોંગ રૂમમાં અકબંધ પડી હોવાનુ અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધીકારી સવજીભાઇ પ્રજાપતી એ જણાવ્યું હતું.
જોકે,આ લોકડાઉન દરમીયાન કોઇ જ કર્મચારીઓનાં પગાર કપાત ન થતાં કે કર્મચારીને છુટા ન કરી નિયમીત રૂપે પગારની ટ્રસ્ટે ચુકવણી કરી છે તેને લઇ કર્મચારીઓ પણ ખુશી વ્યક્ત કરી છે. નવાઇની વાત તો એ છે કે ચોથા તબક્કાનાં લોકડાઉનમાં રાજ્ય સરકારે બજારો ખોલવા મોટા ભાગની છુટછાટ આપવામાં આવી છે. ત્યારે અંબાજીનાં બજારમાં આજે પણ મોટા ભાગની દુકાનો બંધ અને તાળા લટકી રહ્યા છે. સ્થાનિક વેપારી સુનિલ અગ્રવાલનું કહેવું છે કે અંબાજીનાં બજારમાં મહત્તમ વેપાર યાત્રીકોને આધીન છે અને મંદિર બંધ હોવાથી કોઇ જ યાત્રીક આવી નથી રહ્યા તો અમારો વેપાર ક્યાંથી ચાલશે, યાત્રીકો વગર વેપાર ન થવાની વાતને લઇ અંબાજીમાં મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી રહી છે.
અંબાજીમાં હાલના તબક્કે જીવન જરૂરીયાતવાળી ચીજ વસ્તુઓનો વેપાર થઇ રહ્યો છે. જે લોકડાઉન દરમીયાન પણ ચાલુ જ હતો પણ ચોથા લોકડાઉનની છુટછાટની અસર અંબાજી પંથકમાં નહીંવત માત્રામાં જોવા મળી રહી છે. અને વેપારીઓ પણ હવે અંબાજી જગતજનનીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે વહેલી તકે ચાલું કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.