સુઇગામમાં વધુ એક કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું, કૃષિપાકને નુકશાન
બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. વારંવાર ગાબડાં પડવાથી પંથકના ખેડુતો માટે પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે રાછેણાં ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. કેનાલ તુટતાં પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ પંથકમાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. ઢેરીયાણા પાસે રાછેણા ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડ્યું છે. કેનાલ તુટતાં અંદાજીત ર૦ હેક્ટર જમીનમાં પાણી ફરી વળતાં ખેડુતોને જીરાના પાકમાં લાખોનું નુકશાનની ભિતી સેવાઇ રહી છે. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલી કેનાલોમાં હલકી કક્ષાનો સામગ્રી વાપરવામાં આવી હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે.