બનાસકાંઠામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભર્યા વાતાવરણમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિધાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાલનપુર મુકામે વિધામંદિર સંકુલ ખાતે કલેકટર સંદીપ સાગલેએ પરીક્ષા આપવા જતા વિધાર્થીઓ અને પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને કુમકુમ તિલક કરી, સાકરથી મોં મીઠુ કરાવી, હાથમાં ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટર સંદિપ સાંગલેએ જણાવ્યુ કે આજથી સમગ્ર રાજયમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. તેમણે કહ્યુ કે, વિધાર્થીઓ શાંતિપૂર્ણ, સરસ માહોલમાં પરીક્ષા આપે તે માટે વહીવટીતંત્ર ધ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે.
પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જરૂરી જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે અને તમામ કેન્દ્રોમાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. કલેકટરશ્રીએ કહ્યુ કે પરીક્ષાર્થીઓ ટેન્શન વિના ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કરે તેવી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, શ્રીમતી અનિષાબેન પ્રજાપતિ, વિધામંદિર શાળાના શિક્ષક મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.