
પાલનપુર નજીક બાઇકની ટક્કરે ૪ વર્ષીય બાળકનું મોત.
પાલનપુરના મોતીપુરા પાસે બાઇક ચાલકે ચાર વર્ષના બાળકને અડફેટે લેતાં કરૂણ મોત થતા આવતા ચકચાર મચી ગઇ છે. વહેલી સવારે રસ્તો ઓળંગતી વખતે બનેલી ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકને ગુમાવનાર માતા-પિતા ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં બાઇકચાલક પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઘટનાને લઇ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પાલનપુરના મોતીપુરા પાસે માર્ગ અકસ્માતની ઘટનામા એક બાળકનું કરૂણ મોત નિપજ્યુ છે. મૂળ અમીરગઢ તાલુકાના ખજૂરીયાના વિનોદભાઇ લાડુભાઇ રોહીસા મોતીપુરા પાસે વસંતભાઇના ખેતરમાં પત્નિ અને ત્રણ દિકરા સાથે ખેતમજૂરી કરી છે. આજે વહેલી સવારે કુદરતી હાજતે જવા પુત્ર દિપકને લઇ તેની માતા ફીરકીબેન માર્ગ ઓળંગી રહ્યા હતા. આ દરમ્યાન એક બાઇકસવારે ફુલસ્પીડે આવે ટક્કર મારતા દિપકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેની તેને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે થયેલા અકસ્માતમાં બાઇકચાલકનું હેલ્મેટ અને તેના એક પગનો બુટ પર સ્થળ ઉપરથી મળી આવ્યો છે. જોકે ગરીબ પરિવારના બાળકનું મોત થતાં પરિવારજનો સહિત પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અકસ્માત સર્જીને બાઇક ચાલક ફરાર થઇ જતાં પરિવારજનોએ અજાણ્યા યુવક સામે પોલીસ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.