
પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં અસંતોષની આગ હજી ઓલવાઈ નથી. ત્યાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં પણ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ થતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં વિપક્ષ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧૭ સદસ્યોએ ગતરોજ પાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચાર અને મનસ્વી નિર્ણયોના મુદ્દે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લા ભાજપ અને શહેર ભાજપના ભેદી મૌન વચ્ચે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાનો વહીવટ વગોવાઈ રહ્યો છે. શહેરનો વિકાસ નકશો, ચેક ઉચાપત કેસ, રાજીવ આવાસ અને ડોર ટુ ડોર કચરા કલેક્શન સહીતના કહેવાતા વિકાસના કામોમાં ખાયકીનો ખેલ ભજવાઈ રહ્યો છે. ત્રણ માસે મળતી સાધારણ સભાની કાર્યવાહી બે મિનિટમાં પુરી કરવા સહિત વિવિધ કામોમાં પણ ભ્રષ્ટાચાર ના આક્ષેપો ઉઠવા પામ્યા છે. ત્યારે નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ૧૭ સદસ્યોએ ભાજપના નગરપાલિકા પ્રમુખ સામે ભ્રષ્ટાચાર અને મનસ્વી નિર્ણયોના મુદ્દે ગુજરાત નગરપાલિકા ના અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૬ મુજબ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.