પાલનપુરમાં પશુપાલન બન્યું મુશ્કેલ ખેડૂતને રીંછે કર્યો ઘાયલ
પાલનપુર તાલુકાના ગામે બકરી ચરાવવા ગયેલા વૃધ્ધ ખેડૂત ઉપર રીંછે હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં વૃધ્ધને જમણા હાથે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બકરીઓ ચરાવવા ગયેલ ખેડૂત પર ગત મોડી સાંજે રીંછે હુમલો કરતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટનામાં વૃધ્ધ ખેડૂતને ૨૦ ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના જુવલ ગામે રીંછના હુમલાની ઘટના સામે આવી છે. જુવલ થામના ખેડૂત જીવેખાન ઝાફરખાન બલોચ ખેતરમાં બકરીઓ ચરાવી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક તેમની ઉપર રીંછે હુમલો કરી દીધો હતો. હેબતાઇ ગયેલા ખેડુતે બુમાબુમ કરતા અન્ય સ્થાનિકો દોડી આવતા રીંછ જંગલ વિસ્તારમાં ભાગી ગયુ હતુ. હુમલામાં જીવેખાનને માથા અને જમણાં હાથે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વારંવાર રીંછના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. જુવલ ગામની ઘટનામાં સ્થાનિક ખેડુતને રીંછે ગંભીર ઇજાઓ પહોંચાડતા ૨૦ ટાંકા આવ્યા હતા. રીંછના હુમલાને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે