
પાલનપુરમાં એસ.એસ.સી.નો પરિક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાયો
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર–આબુ હાઇવે પર બિહારી બાગ પાસે આવેલા સ્વામી નારાયણ ગુરૂકુળમાં ફાળવાયેલા એસ.એસ.સી. ના કેન્દ્રમાં વિજ્ઞાનના પ્રશ્નપત્રની પરીક્ષા આપતી વખતે એક પરીક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાઇ ગયો હતો. જેની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં શુક્રવારે વિધામંદિર કેમ્પસના બી. કે. ભણશાળી સ્કુલમાંથી એક ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો. ત્યાં શનિવારે પાલનપુર – આબુ હાઇવે બિહારીબાગ નજીક આવેલી સ્વામીનારાયણ ગુરૂકુળમાં ફાળવાયેલા ધોરણ દસના કેન્દ્રમાં વિજ્ઞાનના પ્રશ્નપત્ર ની પરીક્ષા આપતી વખતે એક પરીક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે ઝોનલ અધિકારી વર્ષાબહેને જણાવ્યું હતુ કે, ધોરણ દસના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રની પરીક્ષા લેવાઇ રહી હતી. ત્યારે સ્વામી નારાયણ ગુરૂકુળના બ્લોક નં. ૨૦૫માં બેઠક નંબર પી. ૭૫૦૨૯૨૯થી પરીક્ષા આપતો નરેશકુમાર ગોરધનભાઇ પંડ્યા મોબાઇલ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ્યો હતો. જે પેપર લખતી વખતે મોબાઇલ ફોન બેંચ ઉપર રાખ્યો હતો. તે સમય દરમિયાન સુપરવાઇઝરે મોબાઇલ કબ્જે લીધો હતો. આ અંગે પરીક્ષાર્થી નરેશકુમાર પંડ્યા સામે પોલીસ મથકે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી.