પાલનપુરમાં અષાઢી બીજની 53 મી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન

બનાસકાંઠા
બનાસકાંઠા

પર્યાવરણના જતનના સંદેશા સાથે પ્રથમવાર વૃક્ષોનું વિતરણ, ધારાસભ્યના હસ્તે પહિંદ વિધિ બાદ નીકળેલી યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાયું, સમગ્ર નગર બન્યું જગન્નાથમય: નગરજનો ભક્તિમાં રસ તરબોળ: પાલનપુરમાં અષાઢીબીજ નિમિત્તે શ્રીરામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા પરંપરાગત ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા યોજાઈ હતી. જેને લઇ શહેરીજનો ભગવાનની ભક્તિમાં રસતરબોળ બન્યા હતા.

પાલનપુર શહેરના મોટા રામજી મંદિર ખાતે સવારે ભગવાનની વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ મહા આરતી કરાઇ હતી. ત્યાર બાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે સજોડે પહિંદ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથેની ભવ્ય રથયાત્રાનું નગરમાં પ્રસ્થાન થયું હતું. જે 53મી રથયાત્રાનું વિવિધ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો દ્રારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. શહેરમાં વાજતે- ગાજતે નીકળેલી રથયાત્રા માં મોટા રામજી મંદિરના મહંત, સાધુ સંતો સહિત હિન્દુ સંગઠનો ના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંદાજે 13 કિલોમીટર લાંબી રથયાત્રાએ સોની સમાજની વાડી ખાતે વિશ્રામ કર્યો હતો. જ્યાં ભોજન પ્રસાદ બાદ રથયાત્રા આગળ વધી હતી. રથયાત્રામાં વૃક્ષોનું વિતરણ કરી પર્યાવરણના જતનનો સંદેશો આપવામાં આવ્યો હતો.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભજન મંડળીઓ તેમજ કરતબ બાજો દ્રારા વિવિધ સ્થળો પર હેરત અંગેજ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રાને લઈને સમગ્ર નગરમાં “જય રણછોડ માખણચોર” નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.