નેનાવાના અશ્વપ્રેમીએ ત્રણ રાજ્યમાં અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ ૬૫ જેટલા મેડલો મેળવ્યા
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના નેનાવા ગામે એક અશ્વ પ્રેમીએ પોતાના ખેતરમાં અશ્વ માટે ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે. જેઓએ ત્રણ અલગ અલગ રાજ્યમાં અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ ૬૫ જેટલા પ્રમાણપત્ર તેમજ મેડલો જીતી બનાસકાંઠા જિલ્લાનું માન વધાર્યું છે. નેનાવા ગામે આવેલા નાગણેશ્વરી અશ્વફાર્મ હાઉસના માલિક પહાડસિંહ રાજપૂતને ઘોડા અને ઘોડી પ્રત્યેનો પ્રેમ તેમને વારસામાં મળ્યો છે. પહાડસિંહ રાજપૂતના વંશજોની દેનના લીધે જયારે અશ્વો માટેની વાતો થાય ત્યાં પહાડસિંહ રાજપૂતનું નામ સૌથી મોખરે હોય છે. શરૂઆતમાં તેમની પાસે માત્ર બે જેટલા અશ્વ હતા જયારે આજે નાના મોટા કુલ ૨૪ જેટલા અશ્વ ફાર્મ હાઉસની શોભા વધારી રહ્યા છે. પહાડસિંહ રાજપૂત પાસે મારવાડી નસલના અશ્વ છે. જેમાં સૌ થી પ્રિય અશોક નામનો અશ્વ કે જેને હાલમાં જ લાખણી તાલુકાના જસરા ગામે અશ્વ દોડમાં ભાગ લઈ જીતની દોડ લગાવી પ્રથમ નંબર મેળવ્યો હતો. ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં અશ્વ સ્પર્ધામાં ભાગ લઈ પહાડસિંહ રાજપૂતે ફૂલ ૬૫ જેટલા મેડલ તેમજ પ્રમાણ પત્ર મેળવી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.