ધાનેરામાં ટ્રકના ટાયર નીચે વિદ્યાર્થીનો પગ ચગદાયો
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરામાં ડી.બી.પારેખ હાઈસ્કૂલ આગળ ટ્રકના બાજુમાંથી પસાર થઈ રહેલી સાઈકલને બાઇક ચાલકે ટક્કર મારતા સાઇકલ ટ્રકના પાછળના બે ટાયરો વચ્ચે આવી ગઈ હતી. આથી સાઇકલ સવાર વિદ્યાર્થી ભાઈ-બહેનમાંથી વિધાર્થી પ્રવિણનો પગ કચડાઈ ગયો હતો.
ધાનેરામાં રેલવે પુલનું કામ ચાલુ હોઇ મોટા-ભારે વાહનોનું ડાયવરઝન સોતવાડા ધાનેરા શહેરમાંથી આપવામાં આવ્યું છે. જેથી શહેરના ભરચક વિસ્તાર ડી.બી.પારેખ આગળથી પસાર થતા ભારે વાહનોથી શાળાના વિદ્યાર્થીઓને જોખમ હોવા છતાં પોલીસ દ્વારા અહીં શાળા છૂટવા સમયે પણ પોલીસ કર્મીને મુકવામાં આવતા નથી.તેથી અહીં પ્રાઇવેટ વાહનોનો ખડકલો રહે છે. જેથી ત્યાથી અવર જવર કરતા અન્ય વાહન ચાલકોને ચાલવામાં અડચડ પડે છે ત્યારે ગઈકાલે શાળા છૂટ્યા બાદ શાળામાંથી નીકળેલા વિદ્યાર્થી ભાઈ-બહેનનો અકસ્માત થતા વિદ્યાર્થીનો પગ કચડાયો હતો. જેને તાત્કાલિક ધાનેરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ પગ સંપૂર્ણરીતે કચડાઈ ગયો હોવાથી ગંભીર ઇજાઓ જણાંતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.