
ડેમાઈ ગ્રામ પંચાયતના 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી વહીવટદારોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
બાયડ તાલુકાની સૌથી મોટી ડેમાઈ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની સ્થાનિક અરજદારોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોથી માંડી ખરીદી સહિતના બીલોમાં મોટા ગોટાળા અને ભ્રષ્ટાચાર થયો છે. અરજદારોએ તકેદારી આયોગ અધિકારી-ગાંધીનગરને જે ફરિયાદ કરી હતી. જેમાં તા. 01-01-2022થી તા. 0-01-2023સુધીમાં સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ તેમજ 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા ડસ્ટબીન તેમજ વિકાસના કામોમાં ગેરરીતી આચરાયાની ફરિયાદ સાથે કેટલાક બીલ બાબતે સવાલ ઉઠાવ્યા હતા.
ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર અરજદારો એ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતમાં ખોટા બીલો ઉધારી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. મયૂર કિરણ પ્રજાપતિના નામે બીલનાં ચૂકવણાં થયાં છે, પરંતુ બીલમાં તેનું પૂરેપૂરુ સરનામું પણ જણાવાયું નથી. ત્યારે આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે અને આ મામલે યોગ્ય તપાસ થાય તેવી અરજદારોની માગ છે.
આ મામલે અરજદારો દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરી ત્યારબાદ રજૂઆત થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ધનસુરા ટીડીઓને તપાસ શોપતા ડેમાઈ ગ્રામ પંચાયતમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, પરંતુ વિકાસ કમિશનર કચેરીમાંથી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી સૂચના આપવામાં આવી હતી કે, આ તપાસ જિલ્લા સ્તરના ક્લાસ વન અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરી અહેવાલ ગાંધીનગર સોંપવો જે સંદર્ભે ત્રણ ક્લાસ વન અધિકારીઓ અને એક અન્ય અધિકારી મળીને ચાર સભ્યોની તપાસ ટીમની રચના કરી દેવામાં આવી છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો છે, પરંતુ તપાસ પૂર્ણ થયા પછી જ કોઈ ગેરરીતી થઈ છે કે કેમ તેની જાણકારી બહાર આવી શકશે.